HomeLocal Newsઅમરેલી જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પજવણીનો વધુ એક વિડીયો વાયરલ

અમરેલી જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પજવણીનો વધુ એક વિડીયો વાયરલ

એશિયાટિક સિંહની પાછળ કાર દોડાવી સિંહને હેરાન કરાતા સિંહપ્રેમીઓમાં ભારે રોષ : વનવિભાગે શરૂ કરી તપાસ
     એશિયાટિક સિંહોના સુરક્ષિત વસવાટ માટે ઓળખાતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહ પજવણીની ઘટના સામે આવતા વનવિભાગ અને સિંહપ્રેમીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં કેટલાક શખ્સો દ્વારા સિંહની પાછળ કાર દોડાવી તેને કુરતાપૂર્વક પજવતા હોવાનો દ્રશ્ય જોવા મળી રહ્યો છે. આ વિડીયો વાયરલ થતાં જ સિંહપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
             માહિતી મુજબ અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે “સિંહ દર્શન”નો ધંધો વધી રહ્યો છે. કેટલાક તત્વો દ્વારા પ્રવાસીઓ અને લોકો માટે સિંહોને નજીકથી બતાવવાના નામે જંગલના રાજાને સતત હેરાન કરવામાં આવે છે. જેના કારણે સિંહોના સ્વાભાવિક વર્તનમાં ફેરફાર થવાની સાથે તેમના જીવન પર પણ ખતરો ઊભો થઈ રહ્યો છે.
         આ વાયરલ થયેલા વિડીયોમાં ખુલ્લા રસ્તા પર સિંહ આગળ દોડી રહ્યો છે, જ્યારે પાછળથી કાર દોડાવી તેને ભગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે. આ સમગ્ર ઘટના રેવન્યુ વિસ્તારની હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
      જોકે વિડીયો કયા વિસ્તારનો છે અને તેમાં સંડોવાયેલા લોકો કોણ છે તે અંગે વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
      ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે સમગ્ર મામલે ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. વનવિભાગે વાયરલ વિડીયોના આધારે આ બનાવમાં સંડોવાયેલા શખ્સોની ઓળખ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસ બાદ જવાબદારો સામે વન્યજીવ સુરક્ષા અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
          અત્રેઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં અગાઉ પણ અનેક વખત સિંહોની નજીક જઈને વીડિયો બનાવવા, વાહનોથી પીછો કરવા તેમજ ખોરાક નાખી આકર્ષવાના બનાવો સામે આવી ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલાક લોકો દ્વારા આવી જોખમી હરકતો કરવામાં આવતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
       સિંહપ્રેમીઓ અને પ્રકૃતિપ્રેમી વર્ગે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. “જંગલના રાજા” ગણાતા એશિયાટિક સિંહોની આવી સ્થિતિ દુર્ભાગ્યપૂર્ણ હોવાનું જણાવી જવાબદારો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સાથે જ ગેરકાયદેસર સિંહ દર્શનના ધંધા પર કડક નિયંત્રણ લાવવા માટે પણ વનવિભાગને આગ્રહ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments