ક્રેન એજન્સીને બારોબાર ૯૩ લાખ જેટલી રકમ ચૂકવી દેવામાં આવી

સુરતમાં કૌભાંડોની વણઝાર: ખીચડી,સ્વાન,પતરા બાદ પોલીસની ટોઇંગ કરતી ક્રેનમાં પણ કૌભાંડ

ગુજરાત રાજ્યનું સુરત કોર્પોરેશન શું ભ્રષ્ટાચારનું હબ બન્યું છે. ત્યારે સુરતમાં કોર્પોરેશનના એક પછી એક કૌભાંડ સામે આવી રહૃાા છે. કઢી  ખીચડી કૌભાંડ..સ્વાન કૌભાંડ..પતરા કૌભાંડ બાદ હવે ટ્રાફિક પોલીસની ટોઇંગ કરતી ક્રેનમાં પણ કૌભાંડના આક્ષેપ થયા છે. નોંધનીય છે કે સુરતના એક્ટિવિસ્ટ દ્વારા કરાયેલી આરટીઆઇમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.


લોક ડાઉનમાં જુલાઇ માસ દરમિયાન બંધ પડેલી ટોઇંગ ક્રેન એજન્સીને બારોબાર ૯૩ લાખ જેટલી રકમ ચૂકવી દેવામાં આવી હોવાનો ખુલાસો આરટીઆઇમાં થયો છે. આ અંગે સુરત એસીબી પોલીસ કમિશનર ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી સહિતનાને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

લોક ડાઉન દરમ્યાન ૨૨ જેટલી ક્રેનને લાખોનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું હોવાનું સરકારી ચોપડે બતાવવામાં આવ્યું છે. માર્ચ,એપ્રિલ,મે,જૂન અને જુલાઈમાં લોકડાઉન દરમિયાન ક્રેનો બંધ રાખવામાં આવી હતી. પોલીસ કંટ્રોલ રૂમમાંથી પણ ક્રેનનને કોઈ કોલ આપવામાં આવ્યો નથી. જ્યારે કે પોલીસના અન્ય કામો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપરાંત પેટ્રોલિંગ માટે પેમેન્ટ કરાયું હોવાનો લોગ બુકમાં ઉલ્લેખ કરાયો છે. જો કે લોક બુકમાં પણ એક જ પેનથી એન્ટ્રી અને લખાણ લખવામાં આવ્યો હોવાનું શંકા ઉપજી છે.