રાજકોટ શહેરમાં બજેટને લઈને મહિલાઓ સાથે વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમની અધ્યક્ષતા મંત્રી રિવાબા જાડેજા દ્વારા કરવામાં આવી હતી. તેમણે બજેટમાં મહિલાઓ માટે કરવામાં આવેલી જોગવાઈઓ, મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ બહેનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ પોતાના વ્યવસાય અને આવકના સાધનો કેવી રીતે વિકસાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સંવાદ દરમિયાન ખાસ કરીને મહિલાઓનો બિઝનેસ કેવી રીતે આગળ વધી શકે, સ્વરોજગારની તકો, નાના વ્યવસાય માટે સહાય અને તાલીમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બહેનો દ્વારા પણ પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા, જેને મંત્રીએ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.
કાર્યક્રમ અંતે બહેનોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો અને આવા સંવાદ કાર્યક્રમો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું.
