જામનગરમાં પોલીસ ભરતી દોડ પરીક્ષામાં છેતરપિંડી: બે ઉમેદવારો ઝડપાયા
જામનગર સહિત રાજ્યભરમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે લેવાયેલી દોડ પરીક્ષામાં છેતરપિંડીનો ગંભીર પ્રયાસ સામે આવ્યો છે. એક ઉમેદવારે દોડ દરમિયાન પોતાની બંને ચિપ અન્ય ઉમેદવારને આપી પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, એક ઉમેદવાર દોડમાં ભાગ લેવાને બદલે પોતાના મિત્રને દોડ પૂરી કરાવવા માટે ચિપ સોંપી હતી. પરીક્ષા પ્રક્રિયા દરમિયાન શંકા જતા પોલીસ અધિકારીઓએ તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. તપાસમાં ખુલ્યું કે SRP જવાન તરીકે ફરજ બજાવતા ઉમેદવારે મિત્રની મદદથી દોડ પૂર્ણ કરાવી હતી.
આ ઘટનાને લઈ પોલીસ અધિકારીએ બંને આરોપીઓ સામે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ ભરતી જેવી મહત્વની પ્રક્રિયામાં આવી છેતરપિંડી સામે કડક પગલાં લેવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.
