🔴 રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા તત્વોનો ત્રાસ યથાવત
રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. અમરનગર-2 વિસ્તારમાં ચેતન પરમાર નામના શખ્સ દ્વારા એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને પોલીસ કાર્યવાહી અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
🔴 વિંછીયામાં 5 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાનો મામલો
રાજકોટ જિલ્લાના વિંછીયા વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાની ઘટનાએ ચકચાર મચાવી છે. સમગ્ર મામલે ASP નવીન ચક્રવર્તીએ નિવેદન આપીને જણાવ્યું છે કે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બાળકીના પરિવારને ન્યાય અપાવવાનો પોલીસ દ્વારા પૂરો પ્રયાસ કરવામાં આવશે.
🔴 રાજકોટમાં સ્કૂલ વાન ચાલક દ્વારા 14 વર્ષની બાળકી પર દુષ્કર્મ
રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષની બાળકી સાથે તેના જ સ્કૂલ વાનના ચાલક રમેશ ખરાણી દ્વારા ધાક-ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. માલવિયા પોલીસે હેવાન આરોપીની ધરપકડ કરી છે તેમજ દુષ્કર્મ માટે ઉપયોગમાં લેવાયેલી સ્કૂલ વાન પણ હસ્તગત કરી છે. સમગ્ર ઘટનાને લઈ ACP ભાવેશ જાધવે મહત્વનું નિવેદન આપ્યું છે.
🔴 ભાવનગરમાં પોલીસ અને ગોવાળ વચ્ચે ઝપાઝપી, વીડિયો વાયરલ
ભાવનગર જિલ્લાના ખૂંટવડા વિસ્તારમાં પશુ ચરાવતા ગોવાળ અને પોલીસ વચ્ચે ગઈકાલે સાંજે ઝપાઝપી થઈ હતી. સામસામી મારામારીમાં બંને પક્ષે ઈજાઓ પહોંચી હતી. ઘટનાનો લાઈવ વીડિયો વાયરલ થયો છે, જેમાં પોલીસ દ્વારા ગોવાળની ડાંગ ઝુંટવવાનો પ્રયાસ અને ત્યારબાદ એજ ડાંગથી માર મારતા દ્રશ્યો જોવા મળે છે. ઝપાઝપી બાદ ગોવાળ અને પોલીસ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
🔴 રાજકોટના હનુમાન મઢી ચોક પાસે ગંભીર માર્ગ અકસ્માત
રાજકોટના હનુમાન મઢી ચોક નજીક નીલ દા ઢાબા પાસે સ્કૂટર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્કૂટર ચાલક અને બાઈક ચાલક બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
