HomeLocal Newsસેવાની સિલ્વર જ્યુબિલી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અવિરત જનસેવાને અભૂતપૂર્વ, ઐતિહાસિક વણથંભી...

સેવાની સિલ્વર જ્યુબિલી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અવિરત જનસેવાને અભૂતપૂર્વ, ઐતિહાસિક વણથંભી સફર ગણાવતા રાજુભાઈ ધ્રુવ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચાલી રહેલા સેવાના યજ્ઞને પ્રજ્જવલિત થયાને 25 વર્ષ પુરા થયા છે અને સેવાની આ સિલ્વર જ્યુબિલીને એક ઐતિહાસિક સફર ગણાવી પ્રદેશ ભાજપ અગ્રણી, પ્રદેશ કારોબારીના સભ્ય રાજુભાઈ ધ્રુવે અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે 25 વર્ષની રાજકીય કારકિર્દીમાં તેમણે રાષ્ટ્ર નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ છે. તેમની જીવનયાત્રાએ અનેક લોકોને પ્રેરણા પણ આપી છે.
રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, નેધરલેન્ડ્સના હેગ ખાતે પ્રવાસી ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જાહેર જીવનના એક સુવર્ણ સીમાચિહ્નને યાદ કર્યું હતું. સળંગ 13 વર્ષ મુખ્યમંત્રી તરીકે સતત અને સળંગ 12 વર્ષ વડાપ્રધાન તરીકે યશસ્વી, કુશળ, પ્રજાવત્સલ શાસક તરીકે એમ સળંગ સતત 25 વર્ષ સુધી દેશના કરોડો લોકો તરફથી મળેલો અવિરત સ્નેહ અને સમર્થન એ વૈશ્ર્વિક લોકશાહીના ઇતિહાસમાં એક વિરલ ઘટના છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની છેલ્લા અઢી દાયકાની આ રાજકીય કારકિર્દી માત્ર શાસનના આંકડા નથી, પરંતુ કરોડો ભારતીયોના અતૂટ વિશ્ર્વાસ અને આશીર્વાદની મૂડી છે. ખુદ વડાપ્રધાને પોતાના સંબોધનમાં 16 મે 2014ના દિવસને ભારતના લોકતાંત્રિક ઇતિહાસનો એક અત્યંત ખાસ અને ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે. આ એ દિવસ હતો જ્યારે લોકસભા ચૂંટણીના અભૂતપૂર્વ અને ઐતિહાસિક પરિણામોએ દાયકાઓ પછી દેશમાં પૂર્ણ બહુમતી ધરાવતી એક સ્થિર સરકારની સ્થાપના માટે ક્રાંતિ સર્જી , અને આ જ સ્થિરતા આજે ભારતના સર્વાંગી વિકાસનું એન્જિન બની છે.
વડાપ્રધાન મોદીજી ખૂબ જ નાની ઉંમરે દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા. આ લાંબી અને સંઘર્ષપૂર્ણ સફર દરમિયાન દેશના નાગરિકો જ તેમનો પરિવાર બની ગયા, જેને કારણે તેમના જીવનમાં સેવાપરાયણતાં અને રાષ્ટ્રભક્તિ સાથે નિ:સ્વાર્થતાથી વિકાસશીલતા તરફનો માર્ગ પ્રશસ્ત થયો. સંઘના એક અદના સ્વયંસેવકથી લઈને ભાજપ સંગઠનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર નરેન્દ્રભાઈએ 2001માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો, ત્યારે તેમણે માત્ર પદ નહીં પરંતુ રાજ્યની કાયાપલટ કરવાની જવાબદારી સ્વીકારી હતી. વહીવટી તંત્ર સાથેની તેમની શરૂઆતની બેઠકોથી જ લોકોને ધ્યાનપૂર્વક સાંભળવાની અને ગહન અવલોકન કરવાની તેમની અદભુત કુશળતા છતી થઈ હતી. મુખ્યમંત્રી તરીકે 2001થી 2014 સુધીનો તેમનો 13 વર્ષનો કાર્યકાળ ગુજરાત માટે અભૂતપૂર્વ પરિવર્તનનો સુવર્ણકાળ સાબિત થયો. તેમણે રાજ્યના વિકાસને જનશક્તિ, જળશક્તિ, જ્ઞાનશક્તિ, ઉર્જાશક્તિ અને રક્ષાશક્તિના પંચામૃત દર્શન પર ઊભો કર્યો, જે ગુજરાતના વિકાસનો મજબૂત આધાર બની ગયો. એક રાજ્યના મુખ્યમંત્રી તરીકેની તેમની વિશેષ દ્રષ્ટિ, દૂરંદેશી વિચારસરણી અને સર્વગ્રાહી વિકાસની પરિકલ્પનાએ માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્ર્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમણે શાળા પ્રવેશોત્સવ, ક્ધયા કેળવણી રથયાત્રા, ગુણોત્સવ, કૃષિ મહોત્સવ, પશુ આરોગ્ય મેળા અને ખેલ મહાકુંભ જેવા નવતર લોકભોગ્ય કાર્યક્રમોના માધ્યમથી ગુજરાતના વિકાસનું એક નવું મોડલ રજૂ કરીને રાજ્યને વૈશ્ર્વિક બ્રાન્ડ બનાવી દીધું.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું કે, આજથી બરાબર બાર વર્ષ પહેલા 16 મે 2014માં માં મળેલા સ્પષ્ટ જનાદેશ દ્વારા નરેન્દ્રભાઈ મોદીએ 24મી મે ના રોજ દેશના વડાપ્રધાન તરીકેની બાગડોર હાથમાં લીધી અને ગુજરાતના સફળ તેમજ સાંગોપાંગ સફળ વિકાસ મોડલને રાષ્ટ્રીય ફલક પર લાગુ કરીને સર્વસમાવેશી વિકાસ પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત), ખેલો ઇન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાન અને નલ સે જલ જેવી રાષ્ટ્રીય સ્તરની પ્રમુખ યોજનાઓએ મૂળભૂત રીતે ગુજરાતમાં સફળતાપૂર્વક લાગુ થયેલી અગ્રણી યોજનાઓમાંથી પ્રેરણા લીધી છે, જે તેમના સુશાસન મોડલની વ્યાપકતા અને સફળતા દર્શાવે છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે, દેશની શાન સમાન વંદે ભારત ટ્રેનો અને એઈમ્સ રાજકોટ જેવી પ્રમુખ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓમાં પણ ગુજરાતની વિકાસ સંબંધિત પ્રાથમિકતાઓ અને વડાપ્રધાનના વ્યૂહાત્મક આયોજનની સ્પષ્ટ છાપ જોવા મળે છે. તેમના કુશળ નેતૃત્વ દ્વારા મોદીજીએ એ સુનિશ્ર્વિત કર્યું કે ગુજરાત ન માત્ર પ્રાસંગિક બનેલું રહે પરંતુ ભારતની વ્યાપક વિકાસગાથાનું મુખ્ય કેન્દ્રબિંદુ પણ બનેલું રહે.
વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદીનો છેલ્લા 11-12 વર્ષનો આ સમયગાળો પરિવર્તનકારી શાસન, સમાવેશી વિકાસ અને વૈશ્ર્વિક મંચ પર ભારતની નવી ઓળખ ઊભી કરનારો રહ્યો છે, જેણે ભારતને ’ગ્લોબલ રીસેટ’માં અગત્યની ભૂમિકા નિભાવવા માટે તૈયાર કર્યું છે. 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ-કેન્દ્રિત રાજનીતિ એટલે કે વિકાસવાદને પ્રોત્સાહન આપ્યું છે, જેના પરિણામે ભારત વિશ્ર્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર રહ્યું છે. આ દાયકામાં ભારત સંરક્ષણ, વાણિજ્ય, ઉડ્ડયન, રેલવે, બંદરો અને ડિજિટલ માળખાગત સુવિધાઓ જેવા તમામ ક્ષેત્રોમાં ચતુર્મુખી વ્યાપક વિકાસનું સાક્ષી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 12 વર્ષની પ્રધાનમંત્રી તરીકેની યાત્રા એક આત્મનિર્ભર, સાહસિક અને મહત્વાકાંક્ષી રાષ્ટ્રની તસવીર પેશ કરે છે, જે હવે વિશ્ર્વનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
સતત ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ત્રણવાર ભારતના વડાપ્રધાનનો કાર્યભાર વહન કરનારા નરેન્દ્ર મોદીએ 25 વર્ષ રાજ્ય-દેશની અવિરત સેવા કરી છે, જે અત્યાર સુધીમાં કોઈ એક મુખ્યમંત્રી-વડાપ્રધાનનો સતત અને સૌથી દીર્ઘકાલીન કાર્યકાળ છે. એક સ્થાયી શાસન અને મક્કમ રાજકીય ઇચ્છાશક્તિ દ્વારા પ્રદેશનો કેવો કલ્પનાતીત અને અભૂતપૂર્વ વિકાસ સાધી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ દેશ અને દુનિયા સમક્ષ સ્થાપિત કર્યું છે. નરેન્દ્ર મોદીએ પ્રથમવાર ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા એ ઐતિહાસિક ઘટનાને આજે 12 વર્ષ પૂર્ણ થયાં છે, અને આજે ’વિકસિત ભારત 2047’ના ભવ્ય વિઝન સાથે તેઓ દેશના વડાપ્રધાન તરીકે ભારતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી રહ્યા છે. સમગ્ર વિશ્ર્વમાં તેઓ આજે સૌથી લોકપ્રિય નેતાની ઓળખ ધરાવે છે. રાજુભાઈ ધ્રુવે અંતમાં ખૂબ જ સચોટ વાત કહી છે કે, નરેન્દ્રભાઈ મોદીની રાજકીય સફર એ માત્ર સત્તા ભોગવવાનો સમયગાળો કે યશોગાથા નથી, પરંતુ એક સામાન્ય પરિવારના નાગરિકમાંથી વૈશ્ર્વિક નેતા બનવાની અને રાષ્ટ્ર નિર્માણ કાજે પોતાનું જીવન સમર્પિત કરવાની પ્રેરણાદાયી જીવનગાથા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments