HomeLocal Newsરાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ૧ વર્ષમાં ૨૪,૦૦૦થી વધુ...

રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ૧ વર્ષમાં ૨૪,૦૦૦થી વધુ દર્દીઓને ₹૨.૩૯ કરોડના ઇન્સ્યુલિન ઈન્જેકશન મફત અપાયા

રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ૧ વર્ષમાં ૨૪,૦૦૦થી વધુ દર્દીઓને ₹૨.૩૯ કરોડના ઇન્સ્યુલિન ઈન્જેકશન મફત અપાયા
**
ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડાતા બાળકો માટે રાજ્ય સરકારનું આરોગ્ય કવચ: ઇન્સ્યુલિનથી ગ્લુકોમીટર સુધીની તમામ સુવિધા નિ:શુલ્ક
**
લાઇફસ્ટાઇલ ડિસીઝનું નિદાન વહેલું થાય અને સમયસર સારવાર મળે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને મેડિકલ કોલેજ- હોસ્પિટલ સુધીના તમામ સ્તરે ચકાસણીની વ્યવસ્થા સુદ્રઢ કરાઈ
**
રાજ્ય સરકારની દર્દીલક્ષી નીતિને કારણે આજે મોંધી ગણાતી ઇન્સ્યુલિન સારવાર સામાન્ય નાગરિકો માટે સુલભ બની છે, જેનાથી રોગને કારણે થતી શારીરિક જટિલતાઓ અટકાવી શકાઈ છે :- ડૉ. રાકેશ જોષી, તબીબી
અધિક્ષક, સિવિલ હોસ્પિટલ
**
આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ
**
રાજ્યના અંતિમ પંક્તિના, ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની આરોગ્ય વિષયક સુખાકારી સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને ડાયાબિટીસ જેવા બિન-ચેપી રોગો (Non-Communicable Diseases) સામેના જંગમાં રાજ્યનો આરોગ્ય વિભાગ અત્યંત સક્રિય અને પરિણામલક્ષી કામગીરી કરી રહ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ હેઠળ છેલ્લા એક વર્ષમાં ડાયાબિટીસના કુલ ૨૪,૭૨૭ દર્દીઓને અંદાજે ₹ર.૩૯ કરોડની કિંમતના ઇન્સ્યુલિન ઇન્જેક્શન મફત પૂરા પાડવામાં આવ્યા છે. ડાયાબિટીસના મેનેજમેન્ટમાં ઇન્સ્યુલિન અત્યંત અનિવાર્ય છે, પરંતુ તેની ઊંચી કિંમત ગરીબ પરિવારો માટે આર્થિક બોજ સમાન હોય છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ મારફતે પૂરી પાડવામાં આવતી આ નિ:શુલ્ક સેવા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થઈ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ‘ટાઇપ-૧ ડાયાબિટીસ’ ધરાવતા બાળકો માટે એક વિશેષ અને સર્વગ્રાહી યોજના અમલમાં છે. આ યોજના હેઠળ બાળદર્દીઓને માત્ર ઇન્સ્યુલિન જ નહીં, પરંતુ ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે જરૂરી ગ્લુકોમીટર અને કીટોન ચકાસણી કીટ જેવા સાધનો પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. આંકડાકીય વિગતો મુજબ, વર્ષ ૨૦૨૫માં ૧,૮૮૧ ટાઇપ-૧ બાળદર્દીઓને આ સુવિધાનો લાભ અપાયો છે, જ્યારે વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રણ માસમાં જ વધુ ૬૮૧ બાળકો આ યોજનામાં લાભાન્વિત થયા છે.
ડૉ. રાકેશ જોષીના જણાવ્યા મુજબ, લાઇફસ્ટાઇલ ડિસીઝ તરીકે ઓળખાતા બ્લડપ્રેશર અને ડાયાબિટીસનું વહેલું નિદાન થાય અને સમયસર સારવાર મળે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધીના તમામ સ્તરે ચકાસણીની વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી છે. રાજ્ય સરકારની આ દર્દીલક્ષી નીતિને કારણે આજે મોંધી ગણાતી ઇન્સ્યુલિન સારવાર સામાન્ય નાગરિકો માટે સુલભ બની છે, જેનાથી રોગને કારણે થતી શારીરિક જટિલતાઓ અટકાવી શકાઈ છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કોઈ પણ દર્દી આર્થિક અભાવના કારણે ગુણવત્તાયુક્ત સારવારથી વંચિત ન રહે.


RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments