દેવાસ : મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ટોંક કલાં વિસ્તારમાં ગુરુવારે સવારે 11:30 વાગ્યે એક ફટાકડાની ફેક્ટરીમાં કાળજું ધ્રુજાવી દે તેવો પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં પ્રારંભિક માહિતી મુજબ 8 થી 10 લોકોના મોત થયા હોવાની આશંકા છે. કલેક્ટર દ્વારા હાલ બે લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે આરએમઓ (છખઘ) એ ત્રણ લોકોના મોતની વાત કહી છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે મૃતદેહોના ટુકડાઓ હવામાં ફંગોળાઈને ઘટનાસ્થળથી 20 થી 25 ફૂટ દૂર જઈને પડ્યા હતા.
કેમિકલ મિશ્રણ કરતી વખતે સર્જાઈ દુર્ઘટના:સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ફેક્ટરીમાં બે પ્રકારના કેમિકલ ભેગા કરીને દારૂગોળો બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ પ્રક્રિયા દરમિયાન કેમિકલની માત્રામાં ગરબડ થતા અચાનક વિસ્ફોટ થયો હતો. જે સમયે બ્લાસ્ટ થયો ત્યારે તે ચોક્કસ યુનિટમાં 15 થી 20 મજૂરો કામ કરી રહ્યા હતા. લંચ ટાઈમના માત્ર 15-20 મિનિટ પહેલા જ આ હોનારત સર્જાઈ હતી. ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ માટે ભોજન પણ આવી ગયું હતું, પરંતુ ધડાકો થતા જ લોકો જીવ બચાવવા માટે ખાવાનું છોડીને ભાગવા લાગ્યા હતા.
લોકોના રોષ વચ્ચે વહીવટી તંત્રની કામગીરી:ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને રાહત બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અનેક લોકો એટલી ગંભીર રીતે દાઝી ગયા છે કે તેમના કપડાં ચામડી સાથે ચોંટી ગયા હતા. આ દુર્ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ કમિશનરનો ઘેરાવો કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે આ ગેરકાયદેસર ફેક્ટરી સામે અગાઉ અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ઉલ્લેખનીય છે કે આ જ સ્થળે માર્ચ મહિનામાં પણ વિસ્ફોટ થયો હતો.
સુરક્ષાના અભાવે અનેક જિંદગીઓ જોખમમાં:આ ફેક્ટરી આશરે 4 થી 5 વીઘા વિસ્તારમાં ફેલાયેલી છે અને ત્યાં હજુ પણ બાંધકામ ચાલી રહ્યું હતું. ફેક્ટરીમાં આશરે 200 થી વધુ મહિલાઓ કામ કરતી હતી, જેમાંથી ત્રણ મહિલાઓ હજુ પણ ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે. ફેક્ટરીની બહાર લોકોના લોહીલુહાણ હાલતમાં વાળ અને ચામડીના ટુકડા વિખરાયેલા જોવા મળ્યા હતા. હાલમાં ફેક્ટરીમાં ફટાકડાનો મોટો સ્ટોક હોવાથી વધુ વિસ્ફોટ ન થાય તે માટે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

