બુધવારે પૂર્વી લદ્દાખમાં કઅઈ નજીક ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયું. આ અકસ્માત શ્યોક નદી વિસ્તાર નજીક થયો હતો, જ્યાં હેલિકોપ્ટર અચાનક કાબુ ગુમાવી બેઠું હતું અને પર્વતીય વિસ્તારમાં પડી ગયું હતું, જેના કારણે તેને ભારે નુકસાન થયું હતું. અકસ્માત સમયે એક વરિષ્ઠ લશ્કરી અધિકારી સહિત ત્રણ લોકો તેમાં હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મેજર જનરલ રેન્કના અધિકારી બચી ગયા હતા, જ્યારે બંને પાઇલટ ઘાયલ થયા હતા. સેના અને બચાવ ટીમો અકસ્માત પછી તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ઘાયલ અધિકારીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરક્ષિત રીતે લેહ લાવવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, હેલિકોપ્ટર શ્યોક નદી નજીક નિયમિત લશ્કરી મિશન પર હતું.
અચાનક ટેકનિકલ ખામી કે હવામાન સંબંધિત કારણોસર, હેલિકોપ્ટર સંતુલન ગુમાવી બેઠું હતું અને પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.
આ ઘટના બાદ, સેનાએ આંતરિક તપાસ શરૂ કરી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતનું કારણ નક્કી કરવા માટે ટેકનિકલ નિષ્ણાતોની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. સેના દ્વારા હજુ સુધી વિગતવાર સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

