અમરેલી પાલિકામાં પુન: ભાજપનું શાસન સ્થપાયેલ છે. પરંતુ પાલિકાનું સુકાન નવયુવાન નગરસેવકોના હાથમાં આવતા તેઓ ધણા ઉત્સાહિત છે. અને છેલ્લા પાંચ વર્ષમાં ધાર્યા પ્રમાણે વિકાસ કાર્યો થયા નથી. પરંતુ આગામી પાંચ વર્ષમાં શહેરને સુંદર અને રળિયામણું બનાવવાનાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના સ્વપ્નને સાકાર કરવાનાં લક્ષ્યાંક સાથે નવનિયુકત શાસકો કામે લાગ્યા છે. અમરેલી પાલિકાના નવનિયુકત પ્રમુખ વૈશાલીબેન સંદિપભાઈ માંગરોળીયાએ જવાબદારી સંભાળીને તુરત જ શહેરમાં ચાલતા સફાઈકાર્યની આકસ્મિક મુલાકાત લીધી હતી. અને બાદમાં તુરત જ પાલિકાની તમામ શાખાના કર્મચારીઓની બેઠક બોલાવીને જરૂરી સુચના આપી હતી.
દરમિયાનમાં પાલિકા કચેરીથી પ0 મીટર દુર બીએસએનએલ કચેરી પાછળ ધણા મહિનાઓથી આડો પડેલ વીજપોલને ઉભો કરી તેમાં વિંટાળાયેલ વૃક્ષને દુર કરીને પુન: ઝગમગાર શરૂ કરાયો હતો. તો જિલ્લા બેન્ક પાછળનાં માર્ગ ઉપરથી ગંદકીના ગંજ દુર કરાવ્યા હતા. પાલિકાના નવનિયુકત શાસકોએ આગામી થોડા જ દિવસોમાં ભીડભંજન મંદિરથી ક્રિષ્ના પેટ્રોલ પંપ સુધી આકર્ષક સોનેરી સ્ટ્રીટ લાઈટ લગાવવાનું નક્કી કરેલ છે. અને જો શહેરીજનોને પસંદ આવે, યોગ્ય પ્રકાશ મળે તો શહેરનો તમામ મુખ્ય માર્ગો ઉપર તેવી સ્ટ્રીટ લાઈટ લગાવાશે. તેમજ શહેરનાં સરદાર સર્કલ સહિત મહત્વનાં 10 સ્થળોએ હાઈ- વોલ્ટેજ લાઈટ સાથેનાં ટાવર ઉભા કરાશે.
તેમજ મહત્વનાં જાહેર ચોક ઉપર પીંક ટોયલેટની વ્યવસ્થા કરાશે. તદ્ઉપરાંત, શહેરમાં નિયમિત પાણી વિતરણ, રખડતા પશુઓને સલામત સ્થળે ખસેડવાનું પણ આયોજન કરાયું છે. તો ઉભરાતી ભુગર્ભ ગટરો અને ગટરનાં ઢાંકણાનો પણ પ્રશ્ન દુર કરાશે. પાલિકાના પુર્વ નગર સેવક સંદિપ માંગરોળીયાએ અમારા પ્રતિનિધિ મિલાપ રૂપારેલ સાથે ચર્ચા કરી અને આગામી દિવસોમાં શહેરનાં વિકાસનાં કામો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. અને શહેરીજનોની સુવિધા વધારવાની ખાત્રી આપી હતી.

