રાજકોટના જાણીતા બાઇકર્સ, બિલ્ડર્સ અને દાતા જીવાભાઈ છગનભાઈ પરમાર અને તેના મિત્ર અહમદભાઈ ચાવડા આજે સવારે 6 વાગ્યે રાજકોટથી લંડન સુધીની બાઇક સફર પર રવાના થયા હતા આ બંને બાઈકર્સને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડીરેકટર અને સામાજીક અગ્રણી રાજુભાઈ જુંજાએ હારતોરા કરી શુભેચ્છા સહ વિદાય આપી હતી. જીવાભાઈ પરમાર છેલ્લા 2પ વર્ષથી બાઇક રાઇડર છે તેઓએ પર્યાવરણ જાગૃતિ અર્થે બાઇક પર 18 દેશોની સફર કરવાનો નિર્ણય લીધો હતો. તેઓએ જણાવ્યું હતુ કે પ્લાસ્ટીક કચરો, લીથીયમ અને લેડની નકામી બેટરીઓ જમીનને ખુબ જ નુકસાન કરે છે જેનો સમગ્ર દુનીયામાં જાગૃતિ સંદેશ ફેલાવવા માટે 19000 કિલોમીટરની બાઇક રાઇડ કરી 18 દેશોમાં આ સંદેશ ફેલાવવામાં આવશે. આ બંને બાઇક રાઇડર્સે પોતાના બાઇકમાં જાગૃતિ ફેલાવતા પોસ્ટર્સ પણ લગાવ્યા છે. તેઓ બાઇક પર દરરોજનું 500 થી 600 કિલોમીટરનું અંતર કાપશે આજે સવારે જકોટના અવધ રોડ ઉપર આવેલ એનઆરઆઈ પાર્ક ખાતેના પોતાના નિવાસ સ્થાનેથી રવાના થયા ત્યારે રાજુભાઈ જુંજાએ ફુલહાર કરી મોઢુ મીઠુ કરાવી 18 દેશોની બાઇક સફર સફળતા પૂર્વક પુર્ણ કરી હેમખેમ પરત ફરે તેવી શુભકામના પાઠવી હતી.

