HomeLocal Newsનરેન્દ્રભાઈ મોદીની અવિરત જનસેવાને અભૂતપૂર્વ,ઐતિહાસિક વણથંભી વિકાયાત્રા ગણાવતા રાજુભાઈ ધ્રુવ

નરેન્દ્રભાઈ મોદીની અવિરત જનસેવાને અભૂતપૂર્વ,ઐતિહાસિક વણથંભી વિકાયાત્રા ગણાવતા રાજુભાઈ ધ્રુવ

રાજકોટ : કરોડો લોકોને હૃદય સિંહાસન ઉપર બિરાજતા અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતના સપૂત એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન તરીકે આજે શાસનના 12વર્ષ પુરા કરી રહ્યા છે ત્યારે તેમને કોટી કોટી અભિનંદન આપતા પ્રદેશ ભાજપની કારોબારીના સભ્ય રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે,2014 માં 26 મેના રોજ નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે દેશમાં વિકાસ યુગનો સૂર્યોદય થયો હતો.
બાર વર્ષના આ સમયગાળામાં ભારત દેશે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેના સંપૂર્ણ યશ ના અધિકારી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી છે.
રાજુભાઈ ધ્રુવ એ કહ્યું છે કે ભારતના ઇતિહાસમાં સૌથી વધુ સમય વડાપ્રધાન પદે સેવા આપવામાં નરેન્દ્રભાઈ મોદી ત્રીજા ક્રમે છે પરંતુ અથાગ મહેનત, કુનેહ અને સૌને સાથે રાખીને ચાલવાની નીતિને કારણે તેઓ દેશવાસીઓના હૃદયમાં પ્રથમ ક્રમે પ્રસ્થાપિત થયેલા છે.
તેમણે ઉમેર્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ સાતમી ઓક્ટોબર 2001 માં શપથ લીધા હતા અને ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ ગયા પછી તેમણે 26મી મે 2014 ના રોજ આઝાદ ભારતમાં જન્મેલા દેશના સૌ પ્રથમ વડાપ્રધાન તરીકે પદગ્રહણ કર્યું હતું. ગુજરાતના શાસન દરમિયાન તેમણે અપનાવેલી સબકા સાથ સબકા વિકાસની નીતિને તેમણે વડાપ્રધાન બન્યા પછી પણ ચાલુ રાખી અને દેશનો સર્વાંગી વિકાસ કર્યો એટલું જ નહીં પરંતુ વિકાસના માર્ગે દેશને લઈ જઈ વિશ્વ ગુરુ તરીકે નામના પણ મેળવી છે.
2014માં લોકસભાની ચૂંટણીમાં બહુમતી મેળવી ભારત માતાના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને ભારતનું નામ વિશ્વફલક પર રોશન કર્યું છે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે એમ પણ જણાવ્યું છે કે
સતત ચાર વખત મુખ્યમંત્રી, ત્રણવાર વડાપ્રધાન તરીકે સળંગ 25 વર્ષ પ્રજાની અવિરત સેવા કરી વિશ્વ વિક્રમ સર્જનાર સૌથી દીર્ઘકાલીન લોકતાંત્રિક શાસક નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ માટે સ્થિર- સ્થાયી શાસન અને મક્કમ રાજકીય ઇચ્છાશક્તિ દ્વારા દેશને ગ્રોથ એન્જીન બનાવ્યું છે.
સળંગ 13 વર્ષ મુખ્યમંત્રી તરીકે અને સળંગ 12 વર્ષ વડાપ્રધાન તરીકે યશસ્વી ,કુશળ ,પ્રજાવત્સલ શાસક તરીકે એમ સતત 25 વર્ષ સુધી દેશના કરોડો લોકો તરફથી મળેલો અવિરત સ્નેહ અને સમર્થન એ વૈશ્વિક લોકશાહીના ઇતિહાસમાં એક વિરલ ઘટના છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની છેલ્લા અઢી દાયકાની આ રાજકીય કારકિર્દી માત્ર શાસનના આંકડા નથી, પરંતુ કરોડો ભારતીયોના અતૂટ વિશ્વાસ અને આશીર્વાદની મૂડી છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું કે, આજથી બરાબર બાર વર્ષ પહેલા સ્પષ્ટ જનાદેશ દ્વારા નરેન્દ્રભાઈ મોદીએ દેશના વડાપ્રધાન તરીકેની બાગડોર હાથમાં લીધી અને ગુજરાતના સફળ તેમજ સાંગોપાંગ સફળ વિકાસ મોડલને રાષ્ટ્રીય ફલક પર લાગુ કરીને સર્વસમાવેશી વિકાસ પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત), ખેલો ઇન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાન અને નલ સે જલ જેવી રાષ્ટ્રીય સ્તરની પ્રમુખ યોજનાઓએ મૂળભૂત રીતે ગુજરાતમાં સફળતાપૂર્વક લાગુ થયેલી અગ્રણી યોજનાઓમાંથી પ્રેરણા લીધી છે, જે તેમના સુશાસન મોડલની વ્યાપકતા અને સફળતા દર્શાવે છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે, દેશની શાન સમાન વંદે ભારત ટ્રેનો અને એઈમ્સ રાજકોટ જેવી પ્રમુખ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓમાં પણ ગુજરાતની વિકાસ સંબંધિત પ્રાથમિકતાઓ અને વડાપ્રધાનના વ્યૂહાત્મક આયોજનની સ્પષ્ટ છાપ જોવા મળે છે. તેમના કુશળ નેતૃત્વ દ્વારા મોદીજીએ એ સુનિશ્વિત કર્યું કે ગુજરાત ન માત્ર પ્રાસંગિક બનેલું રહે પરંતુ ભારતની વ્યાપક વિકાસગાથાનું મુખ્ય કેન્દ્રબિંદુ પણ બનેલું રહે.
વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદી નો છેલ્લા 12 વર્ષનો આ સમયગાળો પરિવર્તનકારી શાસન, સમાવેશી વિકાસ અને વૈશ્વિક મંચ પર ભારતની નવી ઓળખ ઊભી કરનારો રહ્યો છે, જેણે ભારતને ’ગ્લોબલ રીસેટ’માં અગત્યની ભૂમિકા નિભાવવા માટે તૈયાર કર્યું છે. 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ-કેન્દ્રિત રાજનીતિ એટલે કે વિકાસવાદને પ્રોત્સાહન આપ્યું છે, જેના પરિણામે ભારત વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર રહ્યું છે. આ દાયકામાં ભારત સંરક્ષણ, વાણિજ્ય, ઉડ્ડયન, રેલવે, બંદરો અને ડિજિટલ માળખાગત સુવિધાઓ જેવા તમામ ક્ષેત્રોમાં ચતુર્મુખી વ્યાપક વિકાસનું સાક્ષી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 12 વર્ષની પ્રધાનમંત્રી તરીકેની યાત્રા એક આત્મનિર્ભર, સાહસિક અને મહત્વાકાંક્ષી રાષ્ટ્રની તસવીર પેશ કરે છે, જે હવે વિશ્વનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
ત્રણવાર ભારતના વડાપ્રધાનનો કાર્યભાર વહન કરનારા નરેન્દ્ર મોદી 12 વર્ષથી દેશની અવિરત સેવા કરી રહ્યા છે. એક સ્થાયી શાસન અને મક્કમ રાજકીય ઇચ્છાશક્તિ દ્વારા પ્રદેશનો કેવો કલ્પનાતીત અને અભૂતપૂર્વ વિકાસ સાધી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ દેશ અને દુનિયા સમક્ષ સ્થાપિત કર્યું છે. નરેન્દ્ર મોદીએ પ્રથમવાર ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા એ ઐતિહાસિક ઘટનાને આજે 12 વર્ષ પૂર્ણ થયાં છે, અને આજે ’વિકસિત ભારત 2047’ના ભવ્ય વિઝન સાથે તેઓ દેશના વડાપ્રધાન તરીકે ભારતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં તેઓ આજે સૌથી લોકપ્રિય નેતાની ઓળખ ધરાવે છે. રાજુભાઈ ધ્રુવે અંતમાં કહયુ છે કે, નરેન્દ્રભાઈ મોદીની રાજકીય સફર એ માત્ર સત્તા ભોગવવાનો સમયગાળો કે યશોગાથા નથી, પરંતુ એક સામાન્ય પરિવારના નાગરિકમાંથી વૈશ્વિક નેતા બનવાની અને રાષ્ટ્ર નિર્માણ કાજે પોતાનું જીવન સમર્પિત કરવાની પ્રેરણાદાયી જીવનયાત્રા- એક યશસ્વી જીવન સફર છે અને તે બદલ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ને કોટી કોટી અભિનંદન સાથે મંગલમય શુભકામનાઓ આપું છું તેમ રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments