HomeLocal Newsછોટાઉદેપુરમાં રેત માફિયાઓને 13.32 કરોડનો દંડ ફટકારાયો વહીવટી તંત્ર દ્વારા 3.94 લાખ...

છોટાઉદેપુરમાં રેત માફિયાઓને 13.32 કરોડનો દંડ ફટકારાયો વહીવટી તંત્ર દ્વારા 3.94 લાખ મેટ્રિક ટન બિન અધિકૃત રેત ખનન પકડાયું

છોટાઉદેપુરમાં ઓરસંગ નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે રેતી માફિયાઓ સામે કોઈ પણ કચાસ રાખવામાં આવશે નહીં.
સંખેડા તાલુકાના રતનપુર ગામે તંત્રએ રેડ પાડીને રેતી ચોરી ઝડપી લીધી હતી. વહીવટી તંત્ર દ્વારા 3.94 લાખ મેટ્રિક ટન બિન અધિકૃત રેત ખનન પકડાયું છે, જે મામલે રેત માફિયાઓને 13.32 કરોડનો ઐતિહાસિક દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ 3 હિટાચી મશીન સીઝ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે રેત ખનન કરતા માફિયાઓને છોડવામાં આવશે નહીં અને જરૂર પડ્યે તેમની સામે પાસાની કાર્યવાહી પણ કરવામાં આવશે. જિલ્લા તંત્રની આ કડક કાર્યવાહી બાદ રેત માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, નદીના પર્યાવરણને નુકસાન પહોંચાડીને ચલાવવામાં આવતા આવા કાળા કારોબારને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે અને ગેરકાયદેસર રેત ખનન કરતા માફિયાઓને કોઈપણ ભોગે છોડવામાં આવશે નહીં. તંત્રની આ લાલ આંખને પગલે જિલ્લાના રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે નદીના કુદરતી સંસાધનોની ચોરી કરનારા તત્વો સામે વહીવટી તંત્ર હવે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યું છે. આ કાર્યવાહીથી સ્થાનિક સ્તરે ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ પર લગામ આવશે તેવી આશા સેવાઈ રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments