HomeLocal Newsગીરકાંઠાના ધારી તાલુકાનાં જીરા ગામે નવા બની રહેલા ફાર્મ હાઉસમાં દીપડી ઘૂસી...

ગીરકાંઠાના ધારી તાલુકાનાં જીરા ગામે નવા બની રહેલા ફાર્મ હાઉસમાં દીપડી ઘૂસી આવતા અફડાતફડી

અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાના જીરા ગામમાં નવા બની રહેલા એક ફાર્મ હાઉસમાં અચાનક દીપડી ઘૂસી આવતા જીરા ગામ વિસ્તારમાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી. ફાર્મ હાઉસમાં કામ કરી રહેલા મજૂરોએ સતર્કતા દાખવી દીપડીને બાથરૂમના દરવાજા પાછળ બંધ કરી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતા દલખાણીયા વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી દીપડીનું સફળ રેસ્ક્યુ હાથ ધર્યું હતું.
આ બનાવમાં પ્રાપ્ત વિગતો મુજબ ધારી તાલુકાના જીરા ગામે રમેશભાઈ સેજપાલની વાડીમાં નવા ફાર્મ હાઉસનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન આજે અચાનક એક દીપડી ફાર્મ હાઉસમાં ઘૂસી આવતા ત્યાં કામ કરતા મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે મજૂરોએ હિંમત અને સમજદારી દાખવી દીપડીને બાથરૂમ તરફ દોરી જઈ દરવાજો બંધ કરી દીધો હતો. બનાવ અંગે દલખાણીયા વનવિભાગને જાણ કરવામાં આવતા વનકર્મીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. વનવિભાગની ટીમે જરૂરી સાવચેતી રાખી દીપડીને ટ્રાન્ક્યુલાઈઝ ગન વડે બેહોશ કરી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. બાદમાં દીપડીને સુરક્ષિત રીતે પાંજરામાં પૂરવામાં આવતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દીપડીને પ્રાથમિક સારવાર અને આરોગ્ય ચકાસણી માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. બનાવને પગલે ગ્રામજનોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments