HomeLocal Newsકોંગ્રેસ નેતાનો અશોભનીય વર્તનનો વિડીયો વાયરલ

કોંગ્રેસ નેતાનો અશોભનીય વર્તનનો વિડીયો વાયરલ

ચેરિયન ફિલિપે મહિલા ધારાસભ્યને જાહેરમાં બળજબરીથી ભેટી પડવાનો પ્રયાસ કર્યો

મહિલા ધારાસભ્ય ભારે અસ્વસ્થતા અનુભવતી દેખાઈ હતી અને તેમણે તરત જ ફિલિપને પોતાનાથી દૂર ધકેલી દઈને અંતર જાળવ્યું હતું

કોચી,તા.૮: કેરળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જ્‍યાં એકતરફ કોંગ્રેસ છાવણીમાં ઉત્‍સાહનો માહોલ હતો, ત્‍યાં બીજી તરફ એક શરમજનક ઘટનાએ આ ખુશીમાં પલિતો ચાંપ્‍યો છે. તિરુવનંતપુરમ સ્‍થિત પાર્ટી મુખ્‍યાલય ‘ઈન્‍દિરા ભવન’ ખાતે વિજયની ઉજવણી ચાલી રહી હતી ત્‍યારે કોલ્‍લમ બેઠક પરથી વિજેતા થયેલા મહિલા નેતા બિદુ કૃષ્‍ણાનું સ્‍વાગત કરવામાં આવી રહ્યું હતું. આ ભીડભાડ વાળા માહોલમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા ચેરિયન ફિલિપ પણ હાજર હતા. જ્‍યારે બિદુ કૃષ્‍ણા લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા, ત્‍યારે આ ૭૧ વર્ષીય નેતાએ તમામ મર્યાદાઓ ઓળંગીને મહિલા ધારાસભ્‍યને જાહેરમાં બળજબરીથી ભેટી પડવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી ત્‍યાં હાજર લોકો અને મીડિયા કર્મીઓ સ્‍તબ્‍ધ થઈ ગયા હતા.
વાયરલ થયેલા વીડિયોમાં સ્‍પષ્ટપણે જોઈ શકાય છે કે બિદુ કૃષ્‍ણા અત્‍યંત શાલીનતા સાથે હાથ જોડીને કાર્યકર્તાઓનું સ્‍વાગત કરી રહ્યા હતા. જ્‍યારે તેમની નજર ચેરિયન ફિલિપ પર પડી ત્‍યારે તેમણે શિષ્ટાચાર મુજબ હાથ મિલાવવા માટે હાથ લંબાવ્‍યો હતો, પરંતુ ફિલિપે તે હાવભાવને સંપૂર્ણપણે નજરઅંદાજ કર્યો હતો. તેમણે આગળ વધીને બિદુ કૃષ્‍ણાને જબરદસ્‍તી હગ (આલિગન) કરવાનો પ્રયાસ કર્યો. આ અણધારી હરકતથી મહિલા ધારાસભ્‍ય ભારે અસ્‍વસ્‍થતા અનુભવતી દેખાઈ હતી અને તેમણે તરત જ ફિલિપને પોતાનાથી દૂર ધકેલી દઈને અંતર જાળવ્‍યું હતું. બિદુ કૃષ્‍ણાના ચહેરા પરના હાવભાવ ચીસો પાડીને કહી રહ્યા હતા કે તેઓ આ વર્તનથી અપમાનિત અનુભવી રહ્યા છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે, જેના કારણે કોંગ્રેસ પક્ષ રક્ષણાત્‍મક સ્‍થિતિમાં આવી ગયો છે. નેટીઝન્‍સ આ વર્તનને સત્તાનો નશો અને મહિલાઓની ગરિમા પર પ્રહાર ગણાવી રહ્યા છે. ઘણા યુઝર્સે સવાલ ઉઠાવ્‍યો છે કે જો રાજ્‍યના ચૂંટાયેલા મહિલા ધારાસભ્‍ય પોતાના જ પક્ષના કાર્યાલયમાં સુરક્ષિત કે સન્‍માનિત નથી, તો સામાન્‍ય મહિલાઓની સુરક્ષાનું શું? વિપક્ષો પણ આ મુદ્દે આક્રમક બન્‍યા છે અને ચેરિયન ફિલિપ સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. અત્‍યાર સુધી આ મામલે પક્ષ તરફથી કોઈ સત્તાવાર સ્‍પષ્ટતા આવી નથી, પરંતુ આ કિસ્‍સાએ વિજયના જશ્નને વિવાદોમાં હોમી દીધો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments