📰 રાજકોટ : ઉત્કર્ષ સ્કૂલમાં વિદ્યાર્થી પડવાની ઘટનાને લઈને શાળા સંચાલનની સ્પષ્ટતા
રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં વિદ્યાર્થી પડી જવાની ઘટનાએ ચર્ચા જગાવી છે. આ મામલે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી વિમલ છાયા મીડિયા સમક્ષ આવી સમગ્ર ઘટનાની વિગતો રજૂ કરી હતી. તેમના જણાવ્યા મુજબ, વિદ્યાર્થી વર્ગખંડની બારી પાસે ઊભો રહી બહાર તરફ ઝૂક્યો હતો, દરમિયાન સંતુલન ગુમાવતા તે નીચે તરફ સરકી ગયો હતો.
શાળા સંચાલન અનુસાર, વિદ્યાર્થી સીધો નીચે ન પડતા પહેલા એસીના બોક્સ પર લટકી ગયો હતો અને ત્યારબાદ પારાપેટ પર ઉતરી ગયો હતો, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનામાં વિદ્યાર્થીના હાથમાં સામાન્ય ઈજા થઈ હતી. તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ પરિવારજનો બાળકને તેમના વતન લઈ ગયા હતા.
મેનેજિંગ ટ્રસ્ટી વિમલ છાયાએ આ ઘટનાને લઈને સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ આપઘાતનો પ્રયાસ નથી, પરંતુ એક અચાનક બનેલી દુર્ઘટના છે. ઘટનાસ્થળના CCTV ફૂટેજ જાહેર કરવા અંગે શાળા સંચાલને ઇન્કાર કર્યો છે, સાથે જ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની માહિતી અને જરૂરી ખુલાસો જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને આપવામાં આવશે.
શાળા સંચાલનનું કહેવું છે કે ઘટના ગંભીર ન હોવાથી પોલીસને જાણ કરવામાં આવી નથી. જોકે આ ઘટનાને લઈને વાલીઓમાં ચિંતા અને અનેક પ્રશ્નો ઊભા થયા છે. હવે શિક્ષણ વિભાગ દ્વારા લેવાતી કાર્યવાહી અને તપાસ પર સૌની નજર ટકેલી છે.
