ઉત્તરાયણ નજીક, સુરેન્દ્રનગરની પતંગ બજારમાં મંદીનો માહોલ
સુરેન્દ્રનગર: ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરની પતંગ બજારમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પતંગ અને દોરાની ખરીદી માટે હોલસેલ તેમજ રિટેલ બજારમાં ગ્રાહકોની ભીડ ઓછી જોવા મળી રહી છે, જેના કારણે વેપારીઓ ચિંતામાં મુકાયા છે.
વેપારીઓના જણાવ્યા મુજબ GST તથા કાગળના ભાવમાં વધારાને કારણે ગત વર્ષની તુલનામાં પતંગ અને દોરાના ભાવોમાં અંદાજે 20થી 30 ટકાનો વધારો થયો છે. ભાવવધારાની અસર સીધી રીતે વેચાણ પર પડી રહી હોવાનું વેપારીઓ કહી રહ્યા છે.
જોકે વેપારીઓએ ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને પહેલાથી જ પતંગ અને દોરાનો પૂરતો સ્ટોક ભરીને રાખ્યો છે. આ વર્ષે બજારમાં PM મોદી, સરદાર પટેલ, બુલેટ ટ્રેન સહિત અવનવી ડિઝાઇનની પતંગો અને રંગબેરંગી દોરાનો વિશેષ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
વેપારીઓને આશા છે કે ઉત્તરાયણ નજીક આવતા છેલ્લા દિવસોમાં ગ્રાહકો મોટી સંખ્યામાં ખરીદી કરશે, જેના કારણે વેચાણમાં વધારો થશે તેમજ પતંગ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને રોજગારી મળશે.
