હડતાલના ભય વચ્ચે સ્વિગી–ઝોમેટોએ ગિગ વર્કર્સ માટે ઇન્સેન્ટિવમાં વધારો કર્યો
નવી દિલ્હી – નવા વર્ષના દિવસો નજીક આવતા ગિગ વર્કર્સની સંભવિત હડતાલને ધ્યાનમાં રાખીને ફૂડ ડિલિવરી કંપનીઓ સ્વિગી અને ઝોમેટોએ પોતાના ડિલિવરી પાર્ટનર્સ માટે ઇન્સેન્ટિવમાં વધારો કર્યો છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી જેવા પીક દિવસોમાં ડિલિવરી સેવા સતત ચાલુ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઝોમેટોએ રાત્રિના પીક સમયમાં વધુ ઇન્સેન્ટિવ આપવાની જાહેરાત કરી છે. સાંજે 6 વાગ્યાથી મધરાત સુધીના ઓર્ડર પર પ્રતિ ઓર્ડર વધુ રકમ મળશે તેમજ આખા દિવસ દરમિયાન વધુ કમાણી કરવાની તક આપવામાં આવી છે. બીજી તરફ સ્વિગી દ્વારા પણ આ બંને દિવસોમાં ખાસ બોનસ અને વધારાની કમાણીના અવસર ઉપલબ્ધ કરાવાશે, જેથી ડિલિવરી પાર્ટનર્સને વધુ પ્રોત્સાહન મળી રહે.
ગિગ વર્કર્સ દ્વારા પગાર, કામના કલાકો, સુરક્ષા અને સામાજિક સુરક્ષા જેવા મુદ્દાઓને લઈને અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ કારણે હડતાલની શક્યતા ઊભી થતા કંપનીઓએ આગોતરા પગલાંરૂપે ઇન્સેન્ટિવ વધારવાનો નિર્ણય લીધો છે.
નવા વર્ષની ઉજવણી દરમિયાન ફૂડ અને ગ્રોસરી ડિલિવરીની માંગમાં ભારે વધારો રહેતો હોય છે. તેવા સમયમાં સેવા ખોરવાય નહીં અને ગ્રાહકોને કોઈ અસુવિધા ન થાય તે માટે કંપનીઓ દ્વારા આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
