સુરત: સુરત SOGને મોટી સફળતા મળી છે, જેમાં હાઈબ્રીડ ગાંજાના મુખ્ય સપ્લાયરને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને છૂટકમાં ગાંજો વેચાણ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. ઉલ્લેખનીય છે કે અઠવાડિયા અગાઉ SOG દ્વારા અંદાજે રૂ.13 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ડિલિવરી માટે આવેલા એક આરોપીની ધરપકડ બાદ જથ્થો મંગાવનાર બીજા આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. અગાઉ પકડાયેલા બે આરોપીઓની પૂછપરછ દરમિયાન મુખ્ય સપ્લાયરનું નામ બહાર આવ્યું હતું. તપાસમાં ખુલ્યું છે કે ગાંજાનો સપ્લાય કરનાર આરોપી ટેક્સટાઈલ કાપડ વેપારીનો પુત્ર છે અને તે થાઈલેન્ડથી કુરિયર મારફતે હાઈબ્રીડ ગાંજો મંગાવતો હતો. SOGની કાર્યવાહીથી યુવાવર્ગમાં ફેલાતી નશાની સાંકળ પર મોટો પ્રહાર થયો છે.
