રાજકોટ શહેરમાં જાહેરમાં ધોકા, પાઈપ અને લાકડીઓ વડે મારામારી થતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના કોઠારીયા રોડ પર આવેલા સ્વાતિપાર્ક નજીકની હોવાનું સામે આવ્યું છે.
વાયરલ વીડિયોમાં કેટલાક લોકો એકબીજા પર લાકડીઓ, ધોકા અને પાઈપ વડે હુમલો કરતા જોવા મળે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઝૂંપડા બાંધીને રહેતા કેટલાક લોકો દ્વારા વારંવાર આવી મારામારી કરવામાં આવે છે, જેને લઈ વિસ્તારમાં ભય અને અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ છે.
આ ઘટનાને કારણે થોડા સમય માટે રોડ પરથી અવરજવર કરતા લોકો પણ ઉભા રહી ગયા હતા અને ટ્રાફિકમાં અસ્તવ્યસ્તતા સર્જાઈ હતી. જાહેર રસ્તા પર આ રીતે મારામારી થતા લોકોમાં ભારે ચિંતા વ્યક્ત થઈ રહી છે.
ઘટનાનો વિડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હોવાનું જણાવાય છે. પોલીસે વિડિયોની તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે. સ્થાનિક લોકો દ્વારા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ પણ ઉઠી છે.
