🟢 રાજકોટના મવડી મેઇન રોડ પર કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત, CCTV સામે
રાજકોટ શહેરના મવડી મેઇન રોડ પર કારચાલક અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ટુ વ્હીલર ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનક ક્ષણો કેદ થઈ છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ ગંભીર ઇજા નોંધાઈ નથી.
🔴 રાજકોટના કોઠારિયા રોડ પર દુકાનમાં ભીષણ આગ, લાખોનો માલ બળીને ખાખ
રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી સ્કૂલ બેગ અને ગરમ ધાબળાની દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. દુકાનમાં રાખેલ ધાબળા અને સ્કૂલ બેગનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના બે ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
🚨 ૩૧ ડિસેમ્બર પહેલા રાજકોટમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
૩૧ ડિસેમ્બર પહેલા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મૈસુર ભગત ચોકડી પાસેથી એક આઇસર ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ટ્રકમાં છાપાની પસ્તીની આડમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની નાની બોટલો નંગ ૬૦૦૦ ભરવામાં આવી હતી. ઝડપાયેલા દારૂની કિંમત રૂ. ૧૮,૭૨,૦૦૦/- હોવાનું સામે આવ્યું છે. કુલ રૂ. ૨૮,૮૨,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પ્રોહીબીશનના ગુનામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણનાપાત્ર કેશ શોધી કાઢ્યો છે.
