રાજકોટ શહેરમાં લૂંટની ઘટનાને લઈને એ ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અગાઉ નકલી પોલીસ તરીકે પકડાયેલી ત્રિપુટી ફરી એક વખત લૂંટના ગુનામાં ઝડપાઈ છે. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પકડાયેલા આરોપીઓમાં સમીર ચાનીયા, સલીમ ઠેબા અને અજરુદીન સફિયાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ત્રણેય આરોપીઓ પરસ્પર સંપર્કમાં રહીને પૂર્વ આયોજન સાથે લૂંટની ઘટનાને અંજામ આપતા હતા. લૂંટ દરમિયાન આરોપીઓએ બાઈક અને મોબાઈલ ફોનની લૂંટ કરી હતી.
પોલીસે વધુમાં જણાવ્યું કે અગાઉ પણ સમીર ચાનીયા અને સલીમ ઠેબા નકલી પોલીસ બની લોકોને રોકી છેતરપિંડી કરતા પકડાયા હતા. ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા આ આરોપીઓ ફરી ગુનાખોરીમાં સંડોવાતા એ ડિવિઝન પોલીસે સખ્ત કાર્યવાહી કરી છે.
હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલુ છે. પોલીસ મતે, આ ત્રિપુટી પાસેથી અન્ય ગુનાઓ અંગે પણ માહિતી મળવાની શક્યતા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે ગુનાખોરો સામે કડક વલણ અપનાવ્યું હોવાનું જણાવ્યું છે.
