રાજકોટ / પોલીસ સ્ટેશનમાં જ હાહાકાર: ‘મને પોલીસથી ડર નથી’ કહી આરોપી બેફામ, PSI સહિતનો સ્ટાફ રૂમમાં બંધ થયો
રાજકોટ: રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં શનિવારે એક અસામાન્ય અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂછપરછ માટે બોલાવવામાં આવેલા એક આરોપીએ પોલીસ સ્ટેશનમાં જ ઉગ્ર હંગામો મચાવ્યો હતો, જેના કારણે PSI સહિતનો પોલીસ સ્ટાફ પોતાની સલામતી માટે તપાસ રૂમમાં દરવાજા બંધ કરી આશરો લેવા મજબૂર બન્યો.
મળતી માહિતી અનુસાર, સદાન દોસાણી નામના આરોપીને અરજી બાબતે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. PSI કે.કે. ચાવડા તેની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે આરોપી અચાનક ઉશ્કેરાઈ ગયો. આરોપી નશાની હાલતમાં હોવાની પણ ચર્ચા છે.
આરોપીએ પોલીસ સ્ટાફ સાથે ઉગ્ર ગાળાગાળી કરી અને “મને પોલીસની કોઈ બીક નથી” કહી ધમકીભર્યું વર્તન કર્યું હતું. આ દરમિયાન આરોપીએ પોતાનું માથું દિવાલ સાથે ફટકારી અફરાતફરી સર્જી હતી અને સ્ટાફ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરિસ્થિતિ ગંભીર બનતા PSI સહિતનો સ્ટાફ તપાસ રૂમમાં ઘૂસી ગયો અને દરવાજા બંધ કરી દીધા. ઘટનાની જાણ થતાં સ્ટેશન ઇન્સ્પેક્ટર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને સ્થિતિ કાબૂમાં લીધી.
આ ઘટનાને પગલે પ્રદ્યુમનનગર પોલીસે આરોપી તથા તેના પિતા સામે સરકારી ફરજમાં અવરોધ ઉભો કરવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ સ્ટેશનની અંદર જ બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અને આરોપીઓના વધતા બેફામ વલણ અંગે ગંભીર ચર્ચા જગાવી છે.
