રાજકોટના જસદણમાં નાનકડી બાળકી સાથે દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવતા પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાક્રમ પ્રમાણે, આરોપીને લઈને જસદણ પંથકના આટકોટ નજીક ઘટના સ્થળે પંચનામું અને તપાસની કામગીરી માટે પોલીસે મુલાકાત લીધી હતી.
પંચનામું પૂર્ણ થયા બાદ પરત ફરી રહીેલી પોલીસ ટીમ પર આરોપીએ અચાનક લોખંડના ધારિયા જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં હેડ કોન્સ્ટેબલના છાતી તથા હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી.
આરોપી હુમલો કરીને ભાગી છૂટવાના પ્રયાસમાં હતો, દરમિયાન જરૂરી ફોર્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે આરોપીને ઈજા પહોંચી અને તેને કાબૂમાં લેવામાં આવ્યો હતો.
ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ તેમજ આરોપીને પ્રાથમિક સારવાર માટે આટકોટની ડો. બોઘરાની હોસ્પિટલ ખસેડાયા બાદ આગળની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હાલ આરોપી દ્વારા પોલીસ ઉપર કરાયેલા હુમલા અંગે વધારાનો ગુનો પણ દાખલ કરવામાં આવશે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.
