રાજકોટ મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ રાજકોટના રેસકોર્સ ખાતે એક દિવસીય “ફન સ્ટ્રીટ” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયાનને જનઆંદોલન બનાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટના મેયર નયનાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ફન સ્ટ્રીટ કાર્યક્રમ દરમિયાન બાળકો માટે વિવિધ પરંપરાગત તેમજ મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેરમ, ચેસ, લુડો, પત્તા, દોરડાકૂદ, લીંબુ-ચમચી, કોથળાદોડ, મીંડા ચોકડી, રંગોળી, બેડદડો અને ભમેડો જેવી રમતો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. રમતોમાં બાળકોની મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી.
આ ઉપરાંત ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને દોરડા ખેંચ જેવી રમતોમાં પણ બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નાના બાળકોથી લઈને મોટા બાળકો સુધી ડીજેના તાલે ગરબા અને ગીતોની મસ્તીમાં ઝૂમતા નજરે પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું.
એક દિવસીય આ ફન સ્ટ્રીટ આયોજનથી બાળકો તેમજ પરિવારજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. સ્વચ્છતા અંગે જાગૃતિ સાથે મનોરંજનનું અનોખું સંયોજન રજૂ કરતો આ કાર્યક્રમ સમગ્ર રીતે સફળ અને યાદગાર રહ્યો હતો.
