ન્યૂ યરની ઉજવણી પૂર્વે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે પ્રોહીબીશનના ગુનાઓ સામે મોટી સફળતા મેળવી છે. મૈસુર ભગત ચોકડી નજીક પોલીસે એક આઇસર ટ્રકને અટકાવી તપાસ કરતાં છાપાની પસ્તીની આડમાં લઈ જવાતો ગેરકાયદે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો.
તપાસ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂની નાની બોટલો નંગ-૬૦૦૦ મળી આવી, જેની અંદાજિત કિંમત રૂ. ૧૮,૭૨,૦૦૦/- થાય છે. દારૂ, આઇસર ટ્રક સહિત કુલ રૂ. ૨૮,૮૨,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન બે ઇસમોને પકડી લેવામાં આવ્યા છે.
પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગણનાપાત્ર ગુનો નોંધ્યો છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે બાબતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે નવવર્ષ પૂર્વે ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવવા સઘન ચેકિંગ શરૂ કર્યું છે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
