શીર્ષક:
જંગલેશ્વર ડિમોલેશન મુદ્દે રાજકોટમાં કોંગ્રેસની બેઠક, ઇન્દ્રનીલ રાજ્યગુરુની તંત્રને ખુલ્લી ચેલેન્જ
રાજકોટ:
જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલી ડિમોલેશન કાર્યવાહી મુદ્દે રાજકોટ કોંગ્રેસ દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના નેતા વશરામ સાગઠીયા, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક જંગલેશ્વર વિસ્તારથી થોડા અંતરે યોજાઈ હતી.
સભાને સંબોધતાં કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે કહ્યું કે, જો લોકોના હક્કો માટે લડવાની જરૂર પડશે તો કોંગ્રેસ કોઈપણ પરિસ્થિતિમાં પાછળ નહીં હટે. સભામાં હાજર લોકોને કોંગ્રેસ તરફથી સ્પષ્ટ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, “તમારા માટે અમે લડત કરીશું.”
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ 300 જેટલી ગાડીઓ લઈને આવે તો પણ કોંગ્રેસ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે અને લોકોના પ્રશ્નોને અવાજ આપશે. બેઠક દરમિયાન તંત્રની કાર્યવાહી સામે તીવ્ર વિરોધ નોંધાયો હતો.
આ સમગ્ર બેઠક રાત્રિના સમયે યોજાઈ હતી, જેના વિડીયો હવે સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. વિડીયો સામે આવતા જ જંગલેશ્વર ડિમોલેશન મુદ્દે રાજકીય ગરમાવો વધી ગયો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ઉગ્ર આંદોલન થવાની શક્યતા દેખાઈ રહી છે.
