અમદાવાદની VS હોસ્પિટલમાં 40 જેટલી સ્ટાફ નર્સ દ્વારા મ્યુનિસિપલ કમિશનરના આદેશની ખુલ્લેઆમ અવગણના કરતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. વર્ષ 2016ની બેચની સ્ટાફ નર્સને 1 ડિસેમ્બરથી LG અને શારદાબેન હોસ્પિટલમાં તાત્કાલિક ટ્રાન્સફર આપવામાં આવ્યું હતું. છતાં, સ્ટાફ નર્સોએ નવી જગ્યાએ હાજરી આપી નથી અને બળજબરીથી VS હોસ્પિટલમાં જ હાજરી પૂરી કરતી હોવાનો મુદ્દો ચર્ચામાં છે.
સ્ટાફ નર્સોને રજિસ્ટર્ડ AD દ્વારા નોટિસ મોકલવામાં આવી, પરંતુ તેઓએ નોટિસ સ્વીકારી નથી. હોસ્પિટલ મેટ્રોન પાસેથી હાજરીનો ચોપડો છીનવી લઈ બહાર લઇ જઇ VS હોસ્પિટલમાં હાજરી પૂરવાની પણ ફરિયાદ થઈ છે. પરિણામે LG અને શારદાબેન હોસ્પિટલમાં સ્ટાફ નર્સની અછત પૂરી કરવા માટે આઉટસોર્સ નર્સ રાખવાની ફરજ પડી રહી છે. VS હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી હોવાથી સ્ટાફને અન્ય હોસ્પિટલોમાં તબક્કાવાર ખસેડવામાં આવે છે, પરંતુ કેટલીક નર્સ ત્યાંથી ખસવા તૈયાર નથી.
હોસ્પિટલમાં વિવિધ યુનિયનોના વધતા પ્રભાવને કારણે કાર્ય સંસ્કૃતિ ખોરવાઈ હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર અને મેયરના આદેશનું VS હોસ્પિટલનું સ્ટાફ પાલન ન કરે તેવો સવાલ ગંભીર બન્યો છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટનું કહેવું છે કે AMC ઓથોરિટી નક્કી કરશે તે મુજબ જ તમામ કાર્યવાહી કરવામાં આવશે.
