ગાંધીનગર: આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવાની છે, જેમાં લગ્ન નોંધણી સંદર્ભે નવા ડ્રાફ્ટ નિયમો કેબિનેટ સમક્ષ મુકાઈ શકે છે. સાથે સાથે આગામી વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે, જ્યારે અંબાજીમાં વન વિભાગ અને પોલીસ પર થયેલા હુમલાના મામલે સમીક્ષા પણ હાથ ધરાશે. બેઠકમાં રાજ્યમાં થયેલી SIRની કામગીરી, મગફળી ખરીદી તેમજ રાહત સહાય પેકેજની ચૂકવણી અંગે પણ ચર્ચા થશે. આ ઉપરાંત રાજ્ય સરકારના અન્ય વિવિધ કાર્યક્રમો અને નીતિગત વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે.
નૌસેનાને મળશે MH-60R ‘રોમિયો હેલિકોપ્ટરોનું બીજું સ્કવોડ્રન
ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો થવા જઈ રહ્યો છે કારણ કે નૌસેનાને MH-60R ‘રોમિયો’ હેલિકોપ્ટરોનું બીજું સ્કવોડ્રન મળવાનું છે, જેને ગોવામાં INS હંસા ખાતે નૌસેનાને સમર્પિત કરવામાં આવશે; આ સાથે ભારતીય નૌકાદળની એકંદર ઉડ્ડયન ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થશે અને દરિયામાં છુપાયેલી સબમરીનને શોધીને નષ્ટ કરવા સક્ષમ એવા અદ્યતન શસ્ત્રો, સેન્સર અને એવિઓનિક્સ સિસ્ટમ્સથી સજ્જ આ હેલિકોપ્ટર નૌસેનાં માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
