મુંબઈ: બોલિવૂડના એક્શન સ્ટાર સની દેઓલની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘બોર્ડર 2’ રિલીઝ થતાં જ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. દેશભક્તિથી ભરપૂર આ ફિલ્મને જોવા માટે ફેન્સ અનોખા અંદાજમાં થિયેટર સુધી પહોંચ્યા હોવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
ફિલ્મની રિલીઝના દિવસે અનેક શહેરોમાં ફેન્સ જીપ, ટ્રેક્ટર અને અન્ય વાહનોમાં તિરંગો લહેરાવતા થિયેટર સુધી પહોંચ્યા હતા. જાણે કોઈ ઉજવણી કે રેલી હોય તેમ ફિલ્મ જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો સની દેઓલના જોરદાર વખાણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 1997માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘બોર્ડર’ બાદ તેના સિક્વલ માટે દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ‘બોર્ડર 2’ રિલીઝ થતા જ આ ઉત્સાહ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. ફેન્સ ફિલ્મના પોસ્ટર પર દૂધ ચઢાવતા, દેશભક્તિના નારા લગાવતા અને થિયેટર બહાર ઉજવણી કરતા પણ નજરે પડ્યા.
ફિલ્મને લઈને દર્શકોમાં જોવા મળતો આ ક્રેઝ બતાવે છે કે સની દેઓલની દેશભક્તિભરી ફિલ્મોનો જાદુ આજે પણ યથાવત છે. ‘બોર્ડર 2’ બોક્સ ઓફિસ પર પણ મજબૂત શરૂઆત કરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
