2 કલાકમાં ત્રણવાર ભૂકંપના આંચકા, ધોરાજીમાં ભયનું વાતાવરણ
મળતી માહિતી મુજબ ગઈકાલે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી આશરે 28 કિમી દૂર નોંધાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.
માત્ર 2 કલાકના સમયગાળામાં ત્રણવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો હતો. અનેક લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનની માહિતી સામે આવી નથી.
સલામતીના પગલા રૂપે ધોરાજીના શાળા સંચાલકો દ્વારા અનેક ખાનગી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. સવારે શાળાએ પહોંચેલા બાળકોને પણ પરિસ્થિતિને ધ્યાને રાખી તાત્કાલિક ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. સતત ભૂકંપના આંચકાને કારણે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
