હેડલાઇન:
રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી, ઉત્તર પૂર્વના પવનોથી ઠંડીનો ચમકારો વધ્યો
સમાચાર:
રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાતા પવનોના કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં 15થી 20 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
હવામાન વિભાગના આંકડા મુજબ નલિયા 7.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં સૌથી ઠંડું સ્થળ રહ્યું છે. કંડલામાં 10.7 ડિગ્રી, ડીસામાં 11 ડિગ્રી અને ગાંધીનગરમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજ અને રાજકોટમાં લઘુતમ તાપમાન 11.4 ડિગ્રી રહ્યું છે.
આ ઉપરાંત કેશોદમાં 12.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.4 ડિગ્રી અને અમદાવાદમાં 13.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ઠંડી વધતા વહેલી સવાર અને રાત્રિના સમયે લોકોમાં કંપારીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
