📰 મોરબીમાં સબસીડીયુક્ત ખાતર કૌભાંડનો ભંડાફોડ, ચાર સામે પોલીસ ફરિયાદ
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સબસીડીયુક્ત ખાતરને ઉંચા ભાવે વેચવાની મોટી સાજિશનો ભંડાફોડ થયો છે. હળવદ પોલીસે કોઈબાના રોડ પરથી પકડાયેલ ખાતર મામલે ચાર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ દ્વારા રોકાયેલા આ કેસમાં સબસીડીયુક્ત ખાતરના કુલ 400 બેગ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની અંદાજિત કિંમત લગભગ 8 લાખ રૂપિયા થાય છે. ખાતર ભરેલ આઇશર ટ્રક સાથે એક કાર પણ કબજે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે કાર દ્વારા પાયલોટિંગ કરી ટ્રકમાં ભરેલા સબસીડીયુક્ત ખાતરને ગેરકાયદે રીતે ઊંચા ભાવે વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
પકડાયેલ ખાતર અંગે ખેતીવાડી વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ તરીકે રવિરાજસિંહ ઝાલા, કરશન દોરાલા, જયદીપ ઘટોડીયા અને જયસુખ અગ્રાવત સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ખાતર ક્યાં લઈ જવામાં આવતું હતું તેમજ કોને વેચવાનો પ્રયાસ હતો તે અંગે પણ પૂછપરછ ચાલી રહી છે. સબસીડીયુક્ત ખાતર ગેરમાર્ગે વળે નહીં અને ખેડૂતોને નુકસાન ન થાય તે માટે પોલીસ તથા ખેતીવાડી વિભાગ સતર્ક બન્યા છે.
