ગુજરાતમાં પરંપરા, સંસ્કાર અને લાગણી સાથે ઉજવાતું પોષી પૂનમનું પર્વ ભાઈ-બહેનના અતૂટ સંબંધનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે પરિવારમાંની દીકરી પોતાના વ્હાલસોયા ભાઈના સુખ, તંદુરસ્તી અને મંગલ જીવન માટે આખો દિવસ ઉપવાસ કરે છે. બહેનની આ ત્યાગભાવના અને પ્રેમ પોષી પૂનમને વિશેષ બનાવે છે.
પરંપરા અનુસાર, પોષી પૂનમના દિવસે સાંજે આકાશમાં ખીલેલા પૂર્ણ ચંદ્ર સામે ઊભી રહી બહેન બાજરીની નાની ચાનકી અથવા નાનાં રોટલામાં કરાયેલા કાણાંમાંથી ચંદ્રને જુએ છે. ત્યારબાદ તે ભાઈને સંબોધીને પરંપરાગત શબ્દોમાં પૂછે છે—
“પોષી પોષી પૂનમડી,
અગાસીએ રાંધ્યા અન્ન;
ભાઈની બેની જમે કે રમે?”
બહેન આ પ્રશ્ન ત્રણ વખત પુછે છે અને ભાઈ ‘જમે’ એવો જવાબ આપે ત્યાર બાદ જ બહેન પોતાનો ઉપવાસ પૂર્ણ કરે છે. આ વિધિ ભાઈ-બહેન વચ્ચેના વિશ્વાસ, પ્રેમ અને સંવેદનાનું અનોખું દર્શન કરાવે છે.
પોષી પૂનમ માત્ર એક તહેવાર નથી, પરંતુ તે બહેન દ્વારા ભાઈ માટે કરવામાં આવેલી નિષ્કપટ પ્રાર્થના અને આશીર્વાદનું પ્રતિક છે. આજના આધુનિક સમયમાં પણ આ પરંપરા ગુજરાતના અનેક વિસ્તારોમાં યથાવત રીતે પાલન કરવામાં આવે છે, જે રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરિવારમૂલ્યોને ઉજાગર કરે છે.
ભાઈ-બહેનના સંબંધને વધુ મજબૂત બનાવતું પોષી પૂનમનું પર્વ આજે પણ ગુજરાતના ઘર-ઘરમાં શ્રદ્ધા અને ભાવ સાથે ઉજવાય છે.
