રાજકોટમાં વીરાણી સ્કૂલના ગ્રાઉન્ડને લઈને વિવાદ ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વીરાણી સ્કૂલના પૂર્વ વિધાર્થીઓએ “ગ્રાઉન્ડ બચાવો અભિયાન” હેઠળ એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો. પૂર્વ વિધાર્થી પરસોતમ પીપળીયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં પૂર્વ વિધાર્થીઓ જોડાયા હતા. આ આંદોલનમાં મહીસાગરના પૂર્વ કલેક્ટર કે.બી. ઉપાધ્યાય પણ જોડાયા હતા.
આ દરમિયાન પરસોતમ પીપળીયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે વીરાણી સ્કૂલનું ગ્રાઉન્ડ ટ્રસ્ટનું નહીં પરંતુ સરકારી ગ્રાઉન્ડ છે. જો ટ્રસ્ટ પાસે માલિકી હોવાનો દાવો હોય તો તે રેવન્યુ રેકોર્ડ જાહેર કરે. તેમણે કહ્યું કે હાલના પ્રોપર્ટી કાર્ડમાં ટ્રસ્ટની માલિકીની જગ્યાનો સ્પષ્ટ પુરાવો નથી અને ટ્રસ્ટીઓ માત્ર એક ચીઠીના આધાર પર ખોટી માલિકી દર્શાવી રહ્યા છે.
પરસોતમ પીપળીયાએ વધુમાં જણાવ્યું કે વીરાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં રાત્રિ બજાર અને બોક્સ ક્રિકેટ ચલાવવું સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને આ મુદ્દો હાલ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. વર્ષ 2019માં ટ્રસ્ટ દ્વારા ગ્રાઉન્ડ વહેંચવાની તૈયારી કરવામાં આવી હતી અને તે સમયે જાહેર નોટિસ પણ આપવામાં આવી હતી, જેને લઈને આંદોલન અને કોર્ટ કાર્યવાહી બાદ ગ્રાઉન્ડ બચી ગયું હતું. તેમણે ચેતવણી આપતાં જણાવ્યું કે જરૂર પડશે તો વીરાણી સ્કૂલના ગ્રાઉન્ડ બચાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત લડવામાં આવશે.
