મોરબી જિલ્લાની ઐતિહાસિક ધરોહર ધરાવતા તથા સાંસ્કૃતિક રીતે મહત્વના સ્થળ એવા વાંકાનેર ખાતે સરકારના પશુપાલન વિભાગ અને કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય કાઠિયાવાડી–મારવાડી અશ્વ પ્રદર્શન અને રમતોત્સવ ‘કામા અશ્વ શો’નો વિધિવત પ્રારંભ થયો. વાંકાનેરના રાજવી સ્વ. ડો. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું.
અશ્વ શોમાં પ્રાણીઓની કલ્યાણની ખાસ કાળજી રાખવામાં આવી હતી. સ્પર્ધા પહેલા બ્લડ સેમ્પલ અને યોગ્ય તપાસ બાદ ૩૦૦થી વધુ નોંધણીમાંથી અંદાજે ૨૫૦ ઘોડાઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન રાજકોટ પોલીસ માઉન્ટના અશ્વસવાર પોલીસ જવાનો દ્વારા કરતબ પ્રદર્શન કરવામાં આવ્યું અને શ્રેષ્ઠ અશ્વ શણગાર સ્પર્ધા પણ યોજાઈ. સાથે જ અશ્વ વિષયક માહિતી આપતા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
