નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) અંગે ચાલી રહેલી વાટાઘાટોમાં ભારતે પોતાનો અંતિમ પ્રસ્તાવ અમેરિકાને સોંપ્યો છે. ભારતમાં લાગુ કરાયેલા કુલ 50% ટેરિફને ઘટાડીને 15% કરવાની સાથે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ લાદવામાં આવેલી વધારાની 25% પેનલ્ટી સંપૂર્ણપણે હટાવવાની માંગ કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે આ મુદ્દે દિલ્હીમાં તાજેતરમાં બેઠક યોજાઈ હતી.
વાટાઘાટોમાં બે મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે—એક વ્યાપક અને કાયમી વેપાર કરાર અને બીજું હાલ લાગુ 50% ટેરિફને ઘટાડવા માટેનો ફ્રેમવર્ક કરાર. જો અમેરિકા ભારતનો પ્રસ્તાવ માને તો ભારતીય સામાન અમેરિકામાં સસ્તો થશે, નિકાસ વધશે, રોજગારની તકો ઊભી થશે અને ડોલર આવક વધવાથી ભારતીય અર્થતંત્રને ફાયદો થશે. સાથે જ રશિયન ઓઈલ પરની પેનલ્ટી હટે તો ઇંધણના ભાવ નિયંત્રણમાં રહેવાની શક્યતા છે.
બીજી તરફ, જો ટેરિફમાં ઘટાડો ન થાય તો ભારતીય નિકાસ પર દબાણ વધી શકે છે અને વેપાર કરારમાં વિલંબ થવાની આશંકા છે. સૂત્રો અનુસાર ફ્રેમવર્ક કરાર પરની વાતચીત લગભગ પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હવે અંતિમ નિર્ણય માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. રશિયન ઓઈલ આયાતમાં તાજેતરમાં થયેલા ઘટાડાને પણ ભારત રાહત માટે અનુકૂળ સંકેત તરીકે જોઈ રહ્યું છે.
