મોરબી જિલ્લાના હળવદ શહેરમાં ખાનગી સ્કૂલ બસના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. શહેરના બસ સ્ટેન્ડ પાસે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે લઈ જતી સ્કૂલ બસને પાછળથી આવતી બીજી સ્કૂલ બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉદ્દગમ સૈક્ષણિક સંકુલની સ્કૂલ બસને મહર્ષિ ગુરુકુળની બસે પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત સમયે બસમાં સવાર વિદ્યાર્થીઓમાં અચાનક ચીસાચીસ મચી ગઈ હતી અને વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.
આ ઘટના ગતકાલે બની હતી અને સમગ્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ઘટનાબાદ સ્કૂલ સંચાલકો દ્વારા મામલો ભીનો સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે, પરંતુ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો જાહેર બન્યો છે.
હાલ ઘટનાને લઈને સ્થાનિક તંત્ર અને વાલીઓમાં ચર્ચા તેજ બની છે અને સ્કૂલ બસોની સલામતી અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.
