BNS કલમ 106 હેઠળ FIR નોંધવા અને નવયુગ સ્કૂલની માન્યતા તાત્કાલિક રદ કરવાની કોંગ્રેસની માંગ
શાળાની બેદરકારીથી એક નિર્દોષ બાળકનો જીવ ગયો : મૃતકના પરિવારને ₹50 લાખની સહાય આપવા માંગ
રાજકોટની નવયુગ સ્કૂલના દ્વારા સોમનાથ સાસણ સ્કૂલ પ્રવાસ દરમિયાન સાસણના એક રિસોર્ટ ખાતે બાળકો લઈ જતા સ્વીમિંગમા ધો.૮ ના એક ૧૩ વર્ષીય વિદ્યાર્થીના ડૂબી જવાના મોતના મામલે હવે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરીને સ્કૂલ સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવા માંગ કરી છે.તેઓએ રજૂઆતમા જણાવ્યુ કે નવયુગ સ્કૂલ દ્વારા રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવાસ માટે બનાવવામાં આવેલી સ્પષ્ટ માર્ગદર્શિકાનો ખુલ્લેઆમ ભંગ કરીને સ્થાનિક પોલીસના કર્મીઓને સાથે ના રાખીને ,RTO પાસે વાહન ચેક કરાવ્યા વિના જ શાળાના બાળકોને સ્કૂલ પ્રવાસે લઈ જઈને ગંભીર બેદરકારી દાખવતા એક ૧૩ વર્ષીય વિદ્યાર્થીનુ સ્વિમિંગ પુલમા ડૂબી જવાથી દુઃખદ મૃત્યુ થવાનો બનાવ સામે આવ્યો છે.
શાળાનો પ્રવાસ એ વિદ્યાર્થીઓ માટે હંમેશા આનંદ અને ઉલ્લાસનો વિષય હોય છે. પરંતુ જ્યારે શાળા સંચાલકો અને શિક્ષકોની બેદરકારી ભળે ત્યારે તે કેવી મોટી હોનારત સર્જી શકે છે તેનો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.આ સમગ્ર ઘટના સ્પષ્ટ રીતે શાળા સંચાલન, પ્રવાસ આયોજન અને સલામતી વ્યવસ્થામાં ઘોર બેદરકારી (Gross Negligence) સામે આવે છે તેવા ગંભીર આક્ષેપો રાજપૂતે કર્યા હતા.
વિશેષ રજૂઆત કરતા જણાવ્યુ કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી શાળા પ્રવાસ માર્ગદર્શિકા મુજબ સ્થાનિક પોલીસ અને આરટીઓ વિભાગને પ્રવાસના પૂર્વે પંદર પહેલા લેખિત જાણ કરીને મંજૂરીઓ લેવાની થતી હોય અને પોલીસના કર્મીઓને સાથે રાખવા ફરજિયાત હોય છે પરંતુ આ કિસ્સામા કોઈ પોલીસકર્મી સાથે રાખવામા આવેલ ન હતા કે આરટીઓ દ્વારા કોઈ મંજૂરી દેવામા આવી ના હતી.વિશેષ કે આ પ્રવાસ દરમિયાન જોખમી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે જેમ કે સ્વિમિંગ પૂલ, બોટિંગ, નદી, ડેમ, વોટર રાઈડ્સ જેવી પ્રવૃત્તિઓમાં વિશેષ સલામતી વ્યવસ્થા અને મંજૂરી વિના વિદ્યાર્થીઓને લઈ જવાની મનાઈ છે.પ્રતિ નિર્ધારિત સંખ્યાના વિદ્યાર્થીઓ પર જવાબદાર શિક્ષકની હાજરી ફરજિયાત હોવી જરૂરી છે ત્યારે આ ઘટનાના સમયે યોગ્ય દેખરેખ ન હોવાનુ સ્પષ્ટ થાય છે.
કોંગ્રેસના પ્રવક્તાએ માંગ કરી કે આ કિસ્સામા એક નિર્દોષ બાળકનું મૃત્યુ માત્ર અકસ્માત નહીં પરંતુ સિસ્ટેમેટિક બેદરકારીનું પરિણામ છે. જો આવા મામલામાં કડક કાર્યવાહી નહીં થાય તો અન્ય બાળકોના જીવ પણ જોખમમાં મૂકાઈ શકે છે. જે બાબતોને ધ્યાન પર રાખીને ભવિષ્યમા આવા કિસ્સાઓ થતા અટકાવવા માટે ઉદાહરણરૂપ કાર્યવાહી અનિવાર્ય છે.
તેઓએ રજૂઆતમા વિશેષ માંગ કરી કે આ ગંભીર ઘટનામાં નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ હાથ ધરવામાં આવે અને રાજ્ય સરકારના નિયમોને ધ્યાને લઈને પોલીસ વિભાગને ભલામણ કરી BNS હેઠળ FIR નોંધવાની કાર્યવાહી તાકીદે કરવામા આવે.શાળા સંચાલક અને પ્રવાસ જવાબદારોની બેદરકારીને કારણે બાળકનું મૃત્યુ થયું હોવાથી BNS કલમ 106 મુજબ ગુનો નોંધવામા આવે.નવયુગ સ્કૂલ સામે તાત્કાલિક તપાસ હાથ ધરીને માન્યતા રદ કરવામા આવે.શાળાની બેદરકારીથી ભોગ બનનાર બાળકના પરિવારને રૂ.૫૦ લાખની આર્થિક સહાય આપવામા આવે. અને વિશેષ કે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે જિલ્લામાં તમામ શાળાઓને કડક સૂચનાઓ આપવામાં આવે તેવી માંગણી પણ કરી હતી.
રજૂઆતના અંતમા વિદ્યાર્થીનેતાએ જિલ્લા શિક્ષણ અધિકારીને ચિમકી ઉચ્ચારતા કહ્યુંકે આ બાબતે કડક કાર્યવાહી કરવામા નહી આવે તો આગામી દિવસોમા ગાંધી ચીંધ્યા માર્ગે ભોગ બનનાર બાળકના પરિવારને સાથે રાખીને આંદોલન કરવામા આવશે.
