રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા ફરી એકવાર ગંભીર બની છે. વોર્ડ નંબર 6માં આવેલી શક્તિ સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી પાણીની અનિયમિતતાને કારણે રહીશો પરેશાન બન્યા છે. નવી પાણીની લાઈન નાખવામાં આવ્યા બાદ સોસાયટીમાં નિયમિત પાણી પુરવઠો બંધ થઈ ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
પાણી ન મળતાં સોસાયટીની મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓનું કહેવું છે કે અનેક વખત કોર્પોરેટર અને સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હકીકતમાં કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. માત્ર આશ્વાસનો આપીને મામલો ટાળી દેવામાં આવી રહ્યો છે.
રહીશોનો આક્ષેપ છે કે રોજિંદા ઉપયોગ માટે પણ પાણી મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જો વહેલી તકે પાણીનો નિયમિત પુરવઠો શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી મહિલાઓએ આપી છે.
સ્થાનિક તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
