ભારતના મોટાભાગના રાજ્યોમાં લાંબા સમયથી પડી રહેલી અસહ્ય અને કાળઝાળ ગરમીનો આખરે અંત આવવા જઈ રહ્યો છે, કારણ કે કુદરત હવે પોતાનું રૌદ્ર અને રાહતદાયક એમ બંને સ્વરૂપ બતાવવા તૈયાર છે. ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ) એ દેશના અડધાથી વધુ હિસ્સા માટે આગામી 28 મે થી 31 મે સુધી ભારે વાવાઝોડું, વીજળીના કડાકા-ભડાકા અને મુસળધાર વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. ઉત્તર-પશ્ચિમ ભારત, પૂર્વ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના જે વિસ્તારો ગરમીની ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હતા, ત્યાં આ વાવાઝોડું આશીર્વાદ સમાન સાબિત થશે, પરંતુ તેની સાથે આવનારો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો તોફાની પવન મોટી તબાહી પણ મચાવી શકે છે
હવામાન વિભાગના બુલેટિન અનુસાર, 29 મેના રોજ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પવનની ગતિ 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જશે, જ્યારે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 90 કિમીની ઝડપે ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું ત્રાટકશે. પૂર્વીય ભારતની વાત કરીએ તો, બિહાર અને ગંગાના મેદાની વિસ્તારોમાં 70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ પડશે અને બિહારમાં તો આ જ દિવસે મોટા પાયે કરા પડવાની (ઇંફશહતજ્ઞિંળિ) પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પહાડી રાજ્યો જેવા કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે ધોધમાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
બીજી તરફ, દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભારતમાં પણ મેઘરાજાએ પોતાનું જોર વધાર્યું છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, આસામ અને મેઘાલય જેવા રાજ્યોમાં આગામી થોડા દિવસો સુધી અવિરત ભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણના રાજ્યોમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં 40 થી 50 કિમીની ઝડપે પવન સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ-એલર્ટ જાહેર કરાયું છે. પ્રશાસને લોકોને આ ચાર દિવસ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા, કાચા મકાનો અને ઝાડથી દૂર રહેવા તેમજ વીજળીના થાંભલાઓથી સાવચેત રહેવા કડક સૂચના આપી દીધી છે.

