રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલી વહીવટી પ્રક્રિયાનો અંત આવ્યો છે. નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકાના 23મા મેયર તરીકે ભાજપના સિનિયર નેતા સ્વ. ચીમનભાઈ શુક્લના પુત્ર ડો. નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે. આ સાથે જ 35મા ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી અને 35મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાના નામની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં 76 દિવસ અધિકારીઓનું રાજ ચાલ્યા બાદ હવે પદાધિકારીઓનું શાસન આવ્યું છે.
મહત્વનું છે કે, રાજકોટ મનપાના ઇતિહાસમાં પદાધિકારીઓની નિમણૂક માટે આટલું વિલંબ ક્યારેય થયું નથી. આ પ્રથમ વખત બનેલી ઘટનામાં રોજ બરોજ મેયર સહિતના પદ માટે નવા-નવા નામો ચર્ચાતા રહ્યા હતા અને છેલ્લી ઘડી સુધી ચૂંટાયેલા સભ્યો દ્વારા એડી ચોટીનું જોર લગાવી લોબિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં નેહલ શુક્લએ બાજી મારી છે.
આ ઉપરાંત હિરેન ખીમાણીયાને શાસક પક્ષના નેતા અને સંજયસિંહ રાણાને દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજકોટના નવનિયુક્ત મેયર ડો.નેહલ શુક્લએ પદભાર સંભાળતાની સાથે સ્વ.વિજય રૂપાણીના નિવાસ્થાનની મુલાકાત લીધી હતી. ડો.નેહલ શુક્લએ સ્વ.વિજયભાઈ રૂપાણીના પરિવારના સભ્યોને મળીને આશીર્વાદ મેળવ્યા હતા, જ્યાં અંજલીબેન રૂપાણીએ નવી જવાબદારી માટે ડો.નેહલ શુક્લને ’વિજય’ તિલક કરીને તેની પીઠ થાબડી પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાત સાથે જ રાજકોટના રાજકારણમાં શુક્લ તેમજ રૂપાણી પરિવારનો દબદબો ફરી એકવાર સાબિત થયો છે. શહેરમાં પહેલા ટિકિટ મેળવવા અંગે અને હવે સીધા મેયર પદ સુધીની સફરને લઈને ભારે ચર્ચાઓ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

