HomeLocal Newsસૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા એકાએક અંડર 19 ટુર્નામેન્ટ મુલત્વી રાખવાનો નિર્ણય: શું...

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા એકાએક અંડર 19 ટુર્નામેન્ટ મુલત્વી રાખવાનો નિર્ણય: શું SPL પણ બંધ રહેશે?


સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સંચાલન સામે ફરી એકવાર પ્રશ્ર્નો ઊભા થયા છે. તાજેતરમાં મોકલાયેલા સંદેશા અનુસાર 28 મેથી યોજાનારી અંડર-19 ક્રિકેટ સ્પર્ધા મુલતવી રાખવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે, જોકે મુલતવી રાખવાનું કોઈ કારણ આપવામાં આવ્યું નથી. અગાઉ ર4 મેના આયોજન બાદ 28, 29 અને 30 મે દરમિયાન પણ અંડર-19 સ્પર્ધા યોજાવાની હતી, પરંતુ હવે તે પણ અટકાવી દેવામાં આવી હોવાનું જણાવાયું છે.જામનગર રૂરલ ક્રિકેટ એસોસિયેશનના મંત્રી સહદેવસિંહ ચુડાસમાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એક તરફ અંડર-19 જેવી મહત્વપૂર્ણ સ્પર્ધાઓ મુલતવી રાખવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ તેઓએ જણાવ્યું કે તેમને જાણવા મળ્યું છે કે નિરંજનભાઈ શાહના જન્મદિવસ નિમિતે 4 જૂનથી યોજાનારી સૌરાષ્ટ્ર પ્રો ટી ટ્વેન્ટી લીગની સ્પર્ધા યથાવત રાખવામાં આવી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ સ્પર્ધાને પાછળ કોઈ ખાસ હિતો કાર્યરત છે તેવું સ્પષ્ટ લાગે છે.
હજારો લિટરનું ડીઝલ, ડીજે સહિત ઢોલ નગારા અને ખોટા ખર્ચ માટે સૌરાષ્ટ્ર પ્રો ટી ટ્રેન્ટી લીગનું આયોજન થાય છે. આ સાથે તેમણે કહ્યું અંડર 19 ટુર્નામેન્ટ માંથી કોઈ આવક નથી હોતી એટલે તેને મહત્વ નથી અપાતું. જ્યારે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં તો કરોડોની આવક જાવક થાય છે, જે બાબતે કોઈ વિસ્તૃતમાં હિસાબ પણ નથી અપાતા ત્યારે તે ટુર્નામેન્ટ વર્તમાન પરિસ્થિતિએ ધ્યાને રાખીને શા માટે રદ કરવી ન જોઈએ?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા હાલની પરિસ્થિતિમાં કરકસર રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હોવા છતાં આવી સ્પર્ધાઓ દ્વારા બિનજરૂરી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ખર્ચ વચ્ચે આવી ટુર્નામેન્ટ યોજવી કેટલા અંશે યોગ્ય છે તે અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે દાવો કર્યો હતો કે ભૂતકાળમાં યોજાયેલી વિશેષ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સ્પર્ધામાંથી કોચ, વ્યવસ્થાપક, સારવાર નિષ્ણાત અથવા વિશ્લેષકની પસંદગીમાં કોઈ જાહેર પ્રક્રિયા કે જાહેરખબર ન થતી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અંડર-19 ખેલાડીઓએ ઉનાળાની ગરમીમાં સતત મહેનત કરી હોવા છતાં સ્પર્ધા મુલતવી રાખાતા તેઓમાં ભારે નિરાશા ફેલાઈ છે. ખાસ કરીને જેમનું અંડર-19નું છેલ્લું વર્ષ છે તેવા ખેલાડીઓના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. આ એક એવી સ્પર્ધા છે જેમાંથી રણજી, અંડર 23, વગેરે જેવી ટુર્નેમનેટ માટે ક્રિકેટરો તૈયાર થાય છે.
અંતમાં તેમણે માંગ કરી હતી કે વિશેષ સૌરાષ્ટ્ર પ્રો ટી ટ્રેન્ટી લીગ સ્પર્ધા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને વરસાદ પૂર્વે અંડર 19 ના ખેલાડીઓની સ્પર્ધાઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments