માણાવદર શહેરમાં સ્વચ્છતાના મોટા-મોટા બોર્ડ માત્ર કાગળ અને દીવાલો પર જ સીમિત રહી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. શહેરમાં ઠેર-ઠેર ’સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ અને ’માણાવદર લગાવશે સ્વચ્છતાના પંચ’ જેવા આકર્ષક સૂત્રો લખેલા બોર્ડ તો લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. નવાઈની વાત તો એ છે કે નગરપાલિકા તંત્ર દ્વારા જ્યાં સ્વચ્છતાના આ બોર્ડ મારવામાં આવ્યા છે, તેની બરાબર નીચે જ કચરાના ઢગલા અને ગંદકીના ગંજ જામ્યા છે.
માણાવદર નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને રોજિંદી સફાઈ વ્યવસ્થામાં જોવા મળતી ભારે ઢીલાશના કારણે સ્થાનિક રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખો અને કરોડો રૂપિયાનો ધુમાડો માત્ર સ્વચ્છતા પાછળ કરવામાં આવી રહ્યો છે. લોકોમાં વધુમાં વધુ જાગૃતતા આવે તેવા હેતુથી નગરપાલિકા તંત્ર દ્વારા પણ સૂત્રો લખવા અને દીવાલો રંગવા પાછળ લાખો રૂપિયાનો આંધણ કરાયો છે. આટલો મોટો ખર્ચ કરવા છતાં માણાવદર શહેરમાં જમીની સ્તર પર સ્વચ્છતાની કામગીરી સાવ શૂન્ય બરાબર જોવા મળી રહી છે. ઠેકઠેકાણે ઉભરાતી કચરાપેટીઓ અને ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
તંત્ર માત્ર કાગળ પર વાહવાહી લૂંટવાનું બંધ કરી વાસ્તવિક સફાઈ કરે તેવી લોકમાંગ ઉઠી છે ત્યારે સ્થાનિક રહીશો અને અધિકારીઓએ આ મુદ્દે સામસામે નિવેદનો આપ્યા છે.
માણાવદરના રહીશ રાકેશ લાડાણીએ નગરપાલિકાની નબળી કામગીરી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “આમાં કચરાના ગંજ ખડકાયેલા છે. સ્વચ્છતાના અભિયાનના બોર્ડ મારેલા છે, ત્યાં કચરાના ઢગલા થયેલા છે. માણાવદરમાં સ્વચ્છતાના અભિયાન નામે કંઈ છે? આ તો ખાલી બોર્ડ મારી દીધા છે કે ભાઈ એવો બોર્ડ એટલે કે સ્વચ્છતા થઈ ગઈ! એવું કંઈ છે નહીં, આ ખોટા નાટક છે જે છે એ કંઈ છે ઈ. અને જે આ સ્વચ્છતાનું અભિયાન વ્યવસ્થિત કરે, સારું લાગે એવું કંઈક ગામ ચોખ્ખું કરે.
આ તો પટેલ સમાજ જેવો પટેલ સમાજ કહેવાય, પટેલ ચોકમાં અહીંયા લોકો, પ્રસંગો કરવા આવે છે અને માણાવદરની કદર લઈ જાય છે. અને અહીં જે બાંકડા નાખ્યા હતા, એ બાંકડાએ ઉપડી ગયા છે, હવે ખબર નથી કોણ લઈ ગયું, જે કંઈ હોય તે.
બીજી તરફ પોતાની કામગીરીની વાહવાહી કરતા માણાવદરના ચીફ ઓફિસર બી.પી. બોરખતરીયાએ બચાવ કરતા જણાવ્યું હતું કે, “મારી પાસે ચાર્જ આવ્યો ત્યારથી સૌ પ્રથમ માર્કેટમાં જે ગંદકી હતી, તમે જુઓ તો બહુ ગંદકી હતી. એટલે માર્કેટની મુલાકાત લઈ અને માર્કેટમાં આખો જે ખાંચો હતો ત્યાંથી ગંદકીના જે 4-5 ટ્રેકટર થયા હતા ઈ ભરાવી અને નવા બ્લોક ફીટ કરાવ્યા. અને આખી માર્કેટમાં જે લોકો પ્રવેશી પણ નહોતા શકતા ઈ વ્યવસ્થિત કરાવ્યું. ત્યારબાદ આખા શહેરમાં પણ જે જૂની જે રીત હતી આખી ફેરફાર કરી અને વોર્ડ વાઈઝ સુપરવાઈઝરની નિમણૂક કરી અને ગંદકી દૂર કરવા માટેનું આયોજન કર્યું છે.
જ્યાં સ્વચ્છતાના બેનર લાગ્યા છે અને ત્યાં જ ગંદકીના ગંજ ખડકાયેલા છે, તે બાબતે હવે એમાં હું જોવરાવી અને સત્વરે દૂર કરાવી દઈશ એવું છે. આ કામગીરી આગામી બે દિવસમાં જ પૂર્ણ કરી દેવામાં આવશે.”

