મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને કલેક્ટર પોરબંદર મારફત આવેદન પાઠવી આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ (કિસાન) અને કુતિયાણા વિધાનસભાના પ્રભારી મેરૂભાઈ ઓડેદરાએ વનાણા ટોલ નાકાને બંધ કરવા અથવા અન્યત્ર ખસેડવાની બુલંદ માંગ ઉઠાવી છે.
મેરૂભાઈ ઓડેદરાએ પ્રેસ સમક્ષ જણાવ્યું હતું કે, પોરબંદર શહેર કાગળ પર તો મહાનગરપાલિકા બની ગયું અને એની સરહદો પણ લંબાઈ ગઈ, પરંતુ વનાણા ટોલ નાકા સંચાલકોને હજુ સુધી કોઈએ જાણ કરી નથી કે તેઓ હવે કાયદેસર રીતે શહેરની હદમાં આવી ગયા છે.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, નેશનલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના નિયમો મુજબ કોઈપણ નગર પાલિકા કે મહાનગરપાલિકાની હદની અંદર ટોલ નાકું હોઈ શકે નહીં. સામાન્ય નાગરિક નાના નિયમભંગ બદલ દંડ ભોગવે છે, ત્યારે ટોલ કંપની સામે કાર્યવાહી કેમ થતી નથી તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.
આમ આદમીના નેતા મેરુભાઇ ઓડેદરા એ રજૂઆતોમાં જણાવેલ કે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો, નોકરિયાતો અને દર્દીઓને શહેરમાં આવવા-જવા માટે વારંવાર ટોલ ચૂકવવો પડે છે, જે સામાન્ય પ્રજાની આર્થિક પરિસ્થિતિ પર ભારરૂપ બન્યું છે.
વહીવટી તંત્ર સામે પણ મેરૂભાઈ એ કડક શબ્દોમાં પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આ ટોલ નાકું પ્રજાને લૂંટવાનો સત્તાવાર અડ્ડો બની ગયું છે અને તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ વર્તી રહ્યું છે.
તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો વનાણા ટોલ નાકાને મહાનગર પાલિકાની હદ બહાર ખસેડવામાં નહીં આવે અથવા ત્યાં સુધી પોરબંદર પાસિંગ (GJ-25) તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના વાહનો માટે ઝીરો ટોલ જાહેર નહીં કરવામાં આવે, તો આગામી સમયમાં હજારો ખેડૂતો અને નાગરિકો સાથે ઉગ્ર જનઆંદોલન અને ચક્કાજામ કરવામાં આવશે.
મેરૂભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, આંદોલન દરમિયાન સર્જાનારી કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે.

