ગુજરાતમાં આગઝરતી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે હીટવેવ સંભાવના વ્યક્ત કરી છે. 13 મેને બુધવારે 44.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે સુરતમાં એક જ દિવસમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. રાજ્યના 10 શહેરોનું તાપમાન 42 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ક્યાક તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો તો ક્યાક ઘટાડો જોવા મળ્યો છે.
હવામાન વિભાગ દ્વારા 13 મે, 2026ના રોજ જારી કરેલી આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ, તાપમાનમાં 2-4ડિગ્રીનો ક્રમશ: ઘટાડો થવાની સંભાવના છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41-45ડિગ્રીની વચ્ચે રહી શકે છે. આજે ત્રણ જિલ્લામાં ઓરેન્જ તો 11 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અમદાવાદમાં 44ડિગ્રી, ગાંધીનગરમાં 44ડિગ્રી, સુરતમાં 34ડિગ્રી, રાજકોટમાં 44ડિગ્રી, વડોદરામાં 44ડિગ્રી, અમરેલીમાં 45ડિગ્રી, ભૂજમાં 42ડિગ્રી અને ડીસામાં 44ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે.
આજે અમદાવાદનું આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન 44ડિગ્રીરહેવાની સંભાવના છે. બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 44.1ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ હતું. અહીંનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા +2.5ડિગ્રી વધારે હતું. હજુ બે દિવસ ગરમીનું જોર રહેશે એ પછી 1થી 2 ડિગ્રી ઘટી શકે છે. દિવસની સાથે સાથે મોડી રાત સુધી શહેરમાં 14 કિમીની ઝડપે પવન ફૂંકાતાં લોકો લૂ જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. રાત્રિનું તાપમાન પણ 30 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આવતીકાલથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે. પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આજે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી અને બોટાદ જિલ્લામાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ યેલો અલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધાઈ, જ્યાં મહત્તમ તાપમાન 44.1 ડિગ્રી સુધી પહોંચી ગયું. ગાંધીનગરમાં 43.8 ડિગ્રી અને ડીસામાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ 43.8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું. અમરેલીમાં 43.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું. કચ્છ વિસ્તારમાં કંડલા પોર્ટ અને કંડલા એરપોર્ટ ખાતે 43 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જ્યારે ભુજમાં 39.8 ડિગ્રી અને નલિયામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું.
આગામી સાત દિવસ (20 મે, 2026 સુધી) સમગ્ર ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની પ્રબળ શક્યતા છે.
હવામાન વિભાગ તરફથી ચોમાસા અને ગરમીને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, અનુકૂળ પરિબળોના કારણે આ વર્ષે અંદમાનમાં 16 મે આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે. સામાન્ય રીતે અંદમાનમાં ચોમાસું 18 મેના રોજ બેસતું હોય છે, પરંતુ આ વખતે તે થોડું વહેલું પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ તે આગળ વધીને કેરળ તરફ ગતિ કરે છે. કેરળમાં 1 જૂને ચોમાસુ બેસ છે. તો ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસુ બેસે છે.

