HomeLocal Newsજાફરાબાદ તાલુકાના કડિયાળી ગામની મુખ્ય બજારમાં શિકાર માટે ઘૂસ્યા બે સિંહ

જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામની મુખ્ય બજારમાં શિકાર માટે ઘૂસ્યા બે સિંહ

અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહ પરિવારનો સૌથી વધુ વસવાટ હોય, છાશવારે માનવ વસ્તીમાં સિંહ પરિવાર પાણી અને ખોરાક માટે ઘુસી આવતા હોય છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં મોડીરાત્રે બે સિંહો શિકારની શોધમાં ગામની મુખ્ય બજારમાં ઘૂસી આવતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ગામની સૂમસામ શેરીઓમાં શિકારની શોધમાં આંટાફેરા મારતા સિંહોએ એક પશુ પાછળ દોટ મૂકી હતી. તે દરમિયાન અચાનક એક સ્થાનિક યુવક સિંહોની સામે આવી જતાં ક્ષણિક ભયનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ કડિયાળી ગામની મુખ્ય બજાર વિસ્તારમાં બે સિંહો શિકાર માટે ફરી રહ્યા હતા. શેરીમાં પસાર થતા એક પશુ પાછળ સિંહોએ અચાનક હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી. એ દરમિયાન રસ્તામાંથી પસાર થતો એક યુવક અચાનક સિંહોની સામે આવી ગયો હતો. સિંહ અને પશુ બંને પોતાની તરફ આવતા જોઈ યુવક ગભરાઈ ગયો હતો. અને જીવ બચાવવા માટે ઊભી પૂંછડીએ ભાગ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ સિંહોએ પશુનો શિકાર કર્યા બાદ સિંહે યુવક પાછળ પણ દોટ મૂકી હતી. જોકે યુવકે સમય સૂચકતા દાખવી યુવક ઝડપથી ભાગી જતાં મહામુસીબતે તેનો જીવ બચ્યો હતો. સમગ્ર ઘટનાએ ગામમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં સિંહો શેરીમાં દોડતા તેમજ યુવક જીવ બચાવવા ભાગતો જોવા મળતા લોકોમાં ચકચાર મચી ગઈ છે.
ગામ લોકોમાંથી એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે, કડિયાળી સહિત દરિયાકાંઠાના ગામોમાં સિંહોની અવર જવર સતત વધી રહી છે. ત્યારે વનવિભાગ વધુ સતર્ક બની યોગ્ય પેટ્રોલિંગ અને દેખરેખ રાખે તેવી જરૂરિયાત ઉભી થઈ છે. સ્થાનિકોએ રાત્રિના સમયે ગામમાં સિંહોના પ્રવેશને રોકવા તેમજ લોકોની સુરક્ષા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments