ગીર સોમનાથ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારતવર્ષના આસ્થા કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ભવ્ય રોડ શોમાં ઉમટેલા વિશાળ માનવ મહેરામણનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાનએ ખુલ્લી જીપમાં પ્રજાના અપાર સ્નેહને હર્ષભેર વધાવ્યો હતો.સોમનાથ હેલીપેડથી સોમનાથ મંદિર સુધીના ભવ્ય રોડ શોમાં વિશાળ જનમેદનીએ ઉત્સાહભેર અને હર્ષોનાદ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને વધામણાં કર્યાં હતાં, વડાપ્રધાનએ પણ બંને હાથ ઊંચા કરીને જનતા જનાર્દનનું વિનમ્રભાવે અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત અમૃત પર્વમાં સહભાગી થવા પધારેલા વડાપ્રધાનની સાથે ખુલ્લી જીપમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાયાં હતાં. આ ભવ્ય રોડ શોમાં જનનેતા અને વડાપ્રધાનની નજીકથી ઝલક મેળવી રીતસર આનંદવિભોર બની અબાલ વૃદ્ધ સહિત સૌ કોઈ ઝૂમી ઉઠ્યાં હતાં અને ભારે હર્ષોલ્લાસ સાથે પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનનો સત્કાર કર્યો હતો. આ રોડ શો ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિના દર્શન પણ જોવા મળ્યા હતા, જેમાં દેશના ગુજરાત, બંગાળ રાજ્ય સહિત ઉત્તર અને દક્ષિણ ભારત અને પૂર્વત્તરના રાજ્યોના રાજ્યોના લોકનૃત્યોની પ્રસ્તુતિથી સમગ્ર વાતાવરણને આનંદ- ઉત્સાહથી તરબતર થયું હતું. સમગ્ર રોડ શોના રૂટ પર 12 જેટલા સાંસ્કૃતિક મંચ પરથી આ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ કલાકારોએ કથકલી, મોહિનીઅટ્ટમ, મેર રાસ, નટરાજ/ શિવ રાસ, ગરબા ટિપ્પણી નૃત્ય, રાઠવા નૃત્ય મરાઠી, આસામ, બંગાળ સહિતના રાજ્યોના લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. આમ, રોડ શોની સાથે એક ભારત -શ્રેષ્ઠ ભારત નેમ અને ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિરાસત પણ ઉજાગર થઈ હતી.

