દેશમાં આગામી 8 મે થી 15 મે દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ભારે પવન વચ્ચે કમોસમી વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ અને ઉત્તર-પૂર્વીય રાજ્યો સુધી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. દિલ્હી-ગઈછ, ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વીજળીના કડાકા સાથે કમસોમી વરસાદની શકયતા છે. કેટલાક વિસ્તારોમાં 70 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, ઉત્તરાખંડમાં 8 મેના રોજ ભારે આંધીઓ સાથે 70 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ સાથે વીજળીના કડાકા અને 30 થી 50 કિમી પ્રતિ કલાક સુધીના તેજ પવનની શકયતા છે. 11 થી 13 મે દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ રહેવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 8 અને 9 મે દરમિયાન વરસાદ પડી શકે છે. આસામ અને મેઘાલયમાં 12 અને 13 મેના રોજ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. પૂર્વી ભારતમાં અંડમાન-નિકોબાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ આગામી દિવસોમાં વરસાદી વાતાવરણ રહેશે. મધ્ય પ્રદેશ, અને છત્તીસગઢમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. મહારાષ્ટ્રમાં પણ આગામી ત્રણ દિવસ દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 8 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે. લોકોને આકાશીય વીજળી, તેજ પવન અને ભારે વરસાદ દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે. ખેડૂતો અને મુસાફરોને પણ હવામાન વિભાગની સૂચનાઓ પર નજર રાખવા વિનંતી કરવામાં આવી છે.

