ઓડિશાને ભારતના આગામી ઔદ્યોગિક તબક્કાના મુખ્ય પ્રેરક તરીકે સ્થાન આપ્યું
મજબૂત રોકાણ આધાર ઝડપથી વધી રહેલી આર્થિક ગતિશીલતાનું પ્રતિબિંબ પાડે છે
પોર્ટ આધારિત વિકાસ અને એસઇઝેડ દ્વારા પૂર્વીય વૃદ્ધિને મજબૂત આધાર
મુંદ્રા, ગુજરાત: 6 મે, 2026: “ભારતનો વિકાસ એકતરફી રહી શકે નથી. ઔદ્યોગિક વિસ્તરણનો આગામી
તબક્કો પૂર્વ કિનારા દ્વારા આગળ વધારવો જરૂરી છે,” એમ ઓડિશાના માનનીય મુખ્યપ્રધાન શ્રી મોહન ચરણ માઝીએ મુંદ્રા પોર્ટની મુલાકાત દરમિયાન ઉદ્યોગ અગ્રણીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું. ભારતના પશ્ચિમ કિનારાની વ્યાપકતા અને કાર્યક્ષમતાથી પ્રેરણા લઈ, મુખ્યપ્રધાને પૂર્વ કિનારે વિકાસને ઝડપી બનાવવા માટે મજબૂત દલીલ રજૂ કરી હતી અને ઓડિશાને દેશના આગામી ઔદ્યોગિક વિકાસ માટે કુદરતી પ્રવેશદ્વાર તરીકે રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ કિનારો દરિયાઈ વેપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે મુખ્ય કેન્દ્ર બની ગયો છે, ત્યારે પૂર્વ કિનારો હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છેઅને ઓડિશા આવી જ સફળતાનું અનુસરણ કરીને તેને વધુ વિસ્તારવા માટે તૈયાર છે. “પશ્ચિમી દરિયાકિનારે જે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, તે હવે પૂર્વ કિનારે વિસ્તરવી જોઈએ. આ પરિવર્તન શક્ય બનાવવા માટે ઓડિશા પાસે યોગ્ય ઇકોસિસ્ટમ, કનેક્ટિવિટી અને પોલિસી સપોર્ટ ઉપલબ્ધ છે,” એમ તેમણે ઉમેર્યું હતું.
દક્ષિણપૂર્વ એશિયા, પૂર્વ એશિયા અને ઈન્ડો-પેસિફિક પ્રદેશ સાથેના ઓડિશાના વ્યૂહાત્મક જોડાણ પર પ્રકાશ પાડતાં મુખ્યપ્રધાને ભારતના વૈશ્વિક વેપાર માળખામાં અને સપ્લાય ચેઇનના વૈવિધ્યકરણમાં તેની વધતી મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. રચનાત્મક પરિવર્તનની માંગ સાથે, તેમણે ‘ટુ-કોસ્ટ સ્ટ્રેટેજી’નો પ્રસ્તાવ મૂક્યો હતો અને ઉદ્યોગ અગ્રણીઓને પશ્ચિમની શક્તિનો લાભ લઈ તેમજ પૂર્વની તકોનો ઉપયોગ કરીને બંને કિનારા પર કામગીરી એકીકૃત કરવાની અપીલ કરી હતી.
“સંતુલિતપણે દરિયાકિનારાનો વિકાસ ભારતની લાંબા ગાળાની સ્પર્ધાત્મકતા માટે અત્યંત જરૂરી છે. આગામી દાયકામાં વિકાસમાં પૂર્વનો દરિયાકિનારો નિર્ણાયક ભૂમિકા ભજવશે,” એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ મુલાકાત મુખ્યપ્રધાનના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી, જેમાં માનનીય ઉદ્યોગ પ્રધાન શ્રી સંપદ ચંદ્ર સ્વૈન, ઉદ્યોગ, ગૃહ અને માહિતી તથા જનસંપર્ક વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી હેમંત શર્મા અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. પ્રતિનિધિમંડળે ઉદ્યોગ સાથે જોડાયેલા હિતધારકો સાથે ચર્ચા કરી હતી અને ઓડિશાનું નીતિ માળખું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયારી અને સુવિધા કેન્દ્રિત શાસન મોડલ રજૂ કર્યા હતા.
મુલાકાતના ભાગરૂપે પ્રતિનિધિમંડળે મુંદ્રા ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને એસઇઝેડ મારફતે મુંદ્રા પોર્ટની ગાઇડેડ ટુર કરી હતી, જેમાં કન્ટેનર જેટી અને વેરી લાર્જ ક્રૂડ કેરિયર (વીએલસીસી) જેટી સહિતની મુખ્ય
સુવિધાઓ સમાવિષ્ટ હતી, જે વિશાળ પાયે કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા દર્શાવે છે. પ્રતિનિધિમંડળે વેસ્ટ પોર્ટ વિસ્તાર અને એક કોપર ઉત્પાદન એકમમાંથી પસાર થઈ સોલાર સેલ અને વિન્ડ ટર્બાઇન કમ્પોનેન્ટના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી, જે સંકલિત ઔદ્યોગિક વિકાસના વ્યાપને દર્શાવે છે.
ઓડિશાની આર્થિક દિશાને વધુ મજબૂત બનાવતાં મુખ્યપ્રધાને રાજ્યની મજબૂત ઇન્વેસ્ટમેન્ટ પાઈપલાઈન પર પ્રકાશ પાડયો હતો:
રૂ. 8.37 લાખ કરોડના 433 રોકાણ પ્રસ્તાવો મંજૂર થયા
રૂ. 2.86 લાખ કરોડના 148 પ્રોજેક્ટ્સ પહેલેથી જ અમલમાં
“ઓડિશામાં રોકાણની ઇચ્છા ઝડપ અને વ્યાપકતા સાથે અમલમાં રૂપાંતરિત થઈ રહી છે,” એમ તેમણે જણાવ્યું હતું. તેમણે લોજિસ્ટિક્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ડાઉનસ્ટ્રીમ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં વિસ્તરતા ઇન્ફાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક પરિસ્થિતિ દ્વારા સમર્થિત તકો પર પણ ભાર મૂક્યો હતો.
માનનીય ઉદ્યોગ પ્રધાન શ્રી સંપદ ચંદ્ર સ્વૈને ઓડિશાના ઔદ્યોગિક વિકાસ વિશે પોતાનો અનુભવ રજૂ કરતા જણાવ્યું હતું કે, “હું પારાદીપની ધરતીમાંથી આવું છું અને મેં વ્યક્તિગત રીતે જોયું છે કે પારાદીપે ઓડિશાના આર્થિક વિકાસને કેવી રીતે વાસ્તવિક, દેખીતો અને પરિવર્તનકારી બનાવ્યો છે. આજે અમે આ મજબૂત આધાર પર નવા તબક્કાના પોર્ટ આધારિત ઔદ્યોગિકીકરણ તરફ આગળ વધી રહ્યા છીએ. સમયસર મંજૂરી, મજબૂત સુવિધા અને ઝડપી અમલીકરણ પર સ્પષ્ટ ધ્યાન સાથે, ઓડિશા સુનિશ્ચિત કરી રહ્યું છે કે રોકાણ વાસ્તવિક આર્થિક પ્રવૃત્તિ, ઔદ્યોગિક વિસ્તરણ અને મોટા પાયે રોજગાર સર્જનમાં રૂપાંતરિત થાય.”
આ મુલાકાતે પોર્ટ આધારિત ઔદ્યોગિકીકરણ પર ઓડિશાના વ્યૂહાત્મક ધ્યાનને વધુ મજબૂત બનાવ્યું હતું,જ્યાં કોસ્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેની આર્થિક વૃદ્ધિનો મુખ્ય આધાર બની રહ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, લોજિસ્ટિક્સ હબ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસઈઝેડ) દ્વારા રાજ્ય ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે, જે ઉત્પાદનને વૈશ્વિક બજારો સાથે સરળતાથી જોડે છે.
ધમરા, પારાદીપ અને ગોપાલપુર જેવા મહત્વપૂર્ણ પોર્ટ્સ દ્વારા કનેક્ટિવિટી અને ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરિંગને પ્રોત્સાહન મળતાં, ઓડિશા ધીમે ધીમે ભારતના પૂર્વીય દરિયાકિનારે એક શક્તિશાળી વિકાસ એન્જિન તરીકે ઉભરી રહ્યું છે. ભારત સંતુલિત પ્રાદેશિક વિકાસ અને વધુ મજબૂત વૈશ્વિક વેપાર સંકલન તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે ઓડિશા માત્ર ભાગીદાર તરીકે નહીં પરંતુ દેશના આગામી ઔદ્યોગિક દાયકાના મુખ્ય ચાલકબળ તરીકે પોતાને સ્થાપિત કરી રહ્યું છે.

